વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

શાંતિ…. નવેમ્બર 18, 2016

Filed under: બોધકથા,વાંચવા જેવી વાત — mysarjan @ 5:39 પી એમ(pm)

શાંતિ….
આબુના ભયંકર ખતરનાક અને છતાં પણ રમ્ય ઢોળાવો પર રમકડાંની જેમ સરકતી જતી કાર આખરે એક આશ્રમ પાસે આવીને ઊભી રહી. ફટાફટ દરવાજા ઊઘડ્યાં અને અંદરથી ‘અમે બે, અમારાં બે’ની જાહેરાતના ચિત્રમાં હોય છે એવું નાનું, ચાર જણાંનું બનેલું, સુખી કુટુંબ નીચે ઊતરી પડ્યું. પુરુષ, સ્ત્રી અને બે બાળકો. પુરુષે આશ્રમના બગીચાને પાણી પાઈ રહેલાં માળીને પૂછ્યું : ‘સચ્ચિદાનંદજીનો આશ્રમ આ જ છે ને ?’
‘હા.જી.’ માળીએ વિવેકપૂર્વક જવાબ આપ્યો : ‘પધારોને ! માતાજી અંદર જ છે.’
હા, સચ્ચિદાનંદજી એ કોઈ સંતપુરુષ નહોતાં, પણ સ્ત્રી હતાં, સાધ્વીજી હતાં. સત ચિત અને આનંદના સરવાળાને સ્ત્રીલિંગ કે પુંલિંગ નથી હોતું, હોઈ પણ ન શકે. એ તો મનની અંદર વ્યાપ્ત પવિત્ર આનંદની સમાધિ અવસ્થા છે. માળીએ પ્રેમપૂર્વક મહેમાનોને આવકાર આપ્યો અને અંદરના મોટા ખંડમાં દોરી ગયો. પરસેવાથી રેબઝેબ ચારેય જણાં ઠંડુ પાણી પીને જરા સ્વસ્થ થયા.
‘કહાં સે આતે હો ?’ માતાજીએ શિષ્ટ અવાજે શરૂઆત કરી.
‘ગુજરાતસે.’
‘તો આપણે ગુજરાતીમાં વાત કરીએ.’ માતાજી હસ્યાં : ‘હું પણ જન્મે ગુજરાતી છું. તમારું નામ ?’
‘પ્રશાંત.’
‘શું કરો છો ?’
‘ડૉક્ટર છું. એમ.એસ. થયો છું. જનરલ સર્જરીમાં માસ્ટર ડીગ્રી મેળવેલી છે. પ્રાઈવેટ સર્જીકલ હોમ ધરાવું છું. આ મારી પત્ની છે. આ બાબો છે, નાની છે એ બેબી છે.’
‘કમાઈને બેઠા છો ?’
‘ધરાઈ જવાય એટલું. સમૃદ્ધ છું.’
‘તો પછી અહીં સુધી લાંબા થવાનું કારણ ?’
‘સમૃદ્ધ ખરો, પણ સુખી નથી. મનની શાંતિ માટે ભટકું છું. ક્યાંકથી તમારો રેફરન્સ મળ્યો, એટલે અહીં આવ્યો છું.’
સાધ્વીજી હસ્યાં. ડૉક્ટર સામે નજર નોંધીને જોયું. પાંચ ફીટ દસ ઈંચની હાઈટ, મજબૂત દેહકાઠી, મોંઘાદાટ પેન્ટ-શર્ટ, પ્રેમિકા જેવી પત્ની, રમકડાં જેવાં બાળકો અને આશ્રમના ઝાંપા પાસે પડેલી રૂપકડી કાર ! સુખ તો આટલામાં જ પરખાઈ આવતું હતું. સમૃદ્ધિ ઘરે હશે. પણ શાંતિ ? મનનું ચેન ? ચિત્તનો આનંદ ? એ તો આદમીની અંદર વસતો હોય, એને પારખવો શી રીતે ? સાધ્વીજીએ નજરને ધારદાર બનાવી. ડૉક્ટરના મગજના પોલાણમાં ઉતારીને પાછી ખેંચી લીધી. માણસ સાચો લાગ્યો, સાત્વિક પણ…..! ખરેખર એને શાંતિની ઝંખના હતી અને જબરજસ્ત હતી.
‘ખરેખર શાંતિ મેળવવી છે ? હું મેળવી આપું એવી !’
‘હા. પણ મારા દિલને એનાથી સમાધાન મળવું જોઈએ.’
‘હું કહું એમ કરવું પડશે. છે તૈયારી ?’
‘કસોટી કરી જુઓ. માથું માગો તો એ પણ ઉતારી દઉં.’ ડૉક્ટરે કમળપૂજા કરવાના અભિનય સાથે કહ્યું.
‘તો ચાલો, ઊભા થાવ. તમારી ગાડી ભલે અહીં જ રહી. આપણે બીજી ગાડીમાં જઈએ છીએ.’
‘પણ ક્યાં ?’
‘નીચે. આબુ રોડ.’ આટલું કહીને માતાજી ઊભાં થયાં. બીજા એક ભક્ત ગાડી લઈને થોડી વાર પહેલાં જ એમને મળવા માટે આવ્યા હતા. એમની ગાડી ઉછીની લીધી. એમનો ડ્રાઈવર પણ માંગી લીધો. ‘હમણાં જ આવું છું.’ કહીને નીકળી પડ્યા. સીધા જઈ પહોંચ્યા આબુરોડની એક રેડીમેઈડ કપડાની દુકાનમાં. દુકાનદારને હુકમ કર્યો : ‘એક જોડી ઝભ્ભો-લેંઘો આપ.’ પેલો માતાજીને ઓળખતો હતો. એમની કાર્યપદ્ધતિને પણ ઓળખતો હતો. એટલે સૌથી સસ્તો, ઘરાકોના હાથમાં ફરીને ચોળાઈ ગયેલો, મેલોદાટ ઝભ્ભો-લેંધો કાઢી આપ્યો.
‘ડૉક્ટર, અંદરની ઓરડીમાં જઈને કપડાં બદલી આવો. તમારા કિંમતી શર્ટ-પેન્ટ અહીં જ મૂકી દો અને આ પહેરી લો.’
‘કેમ, એનાથી શું વળશે ?’
‘એ ધીમે ધીમે સમજાશે.’ માતાજી મર્માળુ સ્મિત કરી રહ્યાં હતાં. ડૉ. પ્રશાંતે આદેશનું પાલન કર્યું. ઓરડીના અરીસામાં જોયું તો હસવાનું પણ ભૂલી ગયા. આ કપડામાં એમનું તેજ, ડૉક્ટર તરીકેનું ગૌરવ, એમની આભા બધું જ ઓસરી જતું હતું.
‘હવે ?’
‘હવે અમે જઈએ છીએ આશ્રમ તરફ ગાડીમાં બેસીને, તમારે અહીં જ રહેવાનું છે. સાંજ સુધીમાં આશ્રમ ઉપર આવી જજો. મને ખબર છે કે તમારું પાકીટ તમારી પત્ની પાસે પડ્યું છે. તમારે ઘડીયાળ, વીંટી કે ચેઈન વેચવાના નથી. કોઈની પાસેથી ઉછીના પૈસા માંગવાના નથી. તમે ડૉક્ટર છો એવી ઓળખાણ કોઈને આપવાની નથી. તમારી પાસે બે કલાકનો સમય છે. જો તમે એટલા સમયમાં આવી નહીં પહોંચો તો ખોટી માથાકૂટ પડતી મૂકજો. હું તમારી ગાડી અને પરિવારને અહીં મોકલી આપીશ. સીધા અમદાવાદ જવાનો રસ્તો પકડી લેજો. શાંતિ નામનું સ્ટેશન તમારા જેવા પ્રવાસી માટે નથી એમ સમજી લેજો.’ માતાજી કોઈ ગુરુ જેમ શિષ્યની આકરી કસોટી કરે એમ ડૉક્ટરની સામે બીજી વાર જોયા પણ વગર ગાડીમાં બેસીને સડસડાટ ઊપડી ગયાં.
ડૉક્ટર હતપ્રભ બનીને જોતા રહ્યાં. દુકાનદારે લાકડી ઉપર બાંધેલું કપડું ઝાટકીને માંખો ઉડાડવાનો અભિનય કર્યો. ઈશારો ખુલ્લો હતો : ‘દુકાન આગળથી ટળો. હવા આવવા દો. અહીં શું ભિખારીની જેમ ઊભા રહ્યા છો ?’ હા….! ભિખારી જ ! ડૉ. પ્રશાંતના પેટમાં આંતરડાનું બુમરાણ ઊઠ્યું. કકડીને ભૂખ લાગી હતી. સવારનું કશું ખાધું ન હતું. મનમાં હતું કે માતાજીનાં આશ્રમે જઈને પેટપૂજા કરીશું. પણ માતાજીએ તો ભારે કરી. કપડાં ઉતારી લીધાં. પાછું કોઈની પાસેથી ઉધાર માંગવાની પણ મનાઈ કરતાં ગયાં.
અચાનક એમના મગજમાં વિચાર ઝબક્યો. ઉધાર માગવાની મનાઈ છે, પણ માગવાની ક્યાં ના છે ? તરત જ મનમાંથી બ્રેક લાગી, માગવું એ તો ભીખ કહેવાય. તો શું કરવું ? પદયાત્રા શરૂ કરી દેવી ? ભૂખ્યા પેટે બળવો કર્યો. પગ કરતાં હાથને તકલીફ દેવી બહેતર રહેશે. ભીખ તો ભીખ, અહીં કોણ પોતાને ઓળખવા નવરું બેઠું છે ? ડૉક્ટરે આજુબાજુ નજર દોડાવી. સામે મંદિરના પગથિયાં પાસે પાંચ-સાત ભિખારીઓ બેઠા હતા. ગંદા, ફાટેલા કપડાં પહેરેલાં, વધેલી દાઢીવાળા, નિસ્તેજ ચહેરાવાળા, અપંગ, જુગુપ્સા ઉત્પન્ન થાય એવા…! ડૉક્ટરે વધુ વિચાર કરવાનું માંડી વાળ્યું. ભિખારીઓની વચ્ચે જઈને ગોઠવાઈ ગયા. આવતા-જતા શ્રદ્ધાળુઓ સામે હાથ લાંબો કરીને ભીખ માટે યાચના કરી.
‘શું છે ?’ એમનો કલીનશેવ્ડ ચહેરો અને આંખ પરના સોનેરી ફ્રેમના ચશ્માં જોઈને એક પુરુષે પૂછપરછ કરી.
‘પૈસાની જરૂર છે.’
‘શરમાતો નથી ? ગળામાં સોનાની ચેઈન છે, હાથમાં વીંટી અને ઘડિયાળ છે. મારા બેટા ભીખ માગીને દાગીના પહેરે છે અને અહીં સોનું જોવાના સાંસા છે ! શું જમાનો આવ્યો છે ?’ બબડતો બબડતો પેલો પગથિયા ચડી ગયો. કદાચ આજે એ ભગવાન પાસે હાથ જોડીને માગણી પણ આવા નસીબદાર ભિખારી થવાની જ કરવાનો હશે.
ડૉક્ટરે બીજી જ મિનિટે શરીર ઉપરનો તમામ શણગાર ઉતારીને ઝભ્ભાના ખિસ્સાને હવાલે કરી દીધો. પણ ચહેરા ઉપર ઝલકતી સુંવાળપને ક્યાં સંતાડવી ? ભિખારીનો અભિનય અસલી ભિખારીઓની પંગતમાં તો નહીં જ જામે એમ સમજીને એ ઊભા થઈ ગયા. બાજુમાં થોડે દૂર પાનનો ગલ્લો હતો, ત્યાં જઈને ગલ્લાવાળાને આજીજી કરી, ‘બોસ, વખાનો માર્યો હું વધુ કંઈ કહી શકું એમ નથી. ઉપર સુધી જવા માટેનું ભાડું આપ. તારો ઉપકાર કદી નહિ ભૂલું.’
પણ પાનવાળો પીગળ્યો નહીં. ભિખારીઓ એણે કરેલા ઉપકારને યાદ રાખે એ બાબતમાં એને ખાસ રસ જેવું લાગ્યું નહીં હોય. બહુ બહુ તો એણે મફત પાન બનાવી આપવાની ઓફર કરી. પણ એ વાત ડૉક્ટરને મંજૂર નહોતી. પાન ખાતાં ભિખારીને તો કોઈ પૈસોયે ના આપે ! સમય સરકી રહ્યો હતો. ડૉક્ટર એક અવળવાણી જેવો પડકાર હારી જવાની અણી પર હતા. ભીખ માગવી અને મેળવવી પણ કેટલી મુશ્કેલ વાત છે એ આજે સમજાયું. એમણે હવે શરમ સાથે છુટાછેડા લઈ લીધા. રસ્તા ઉપર ચાલતા એક એક માણસને રોકીને રૂપિયા માગવાનું શરૂ કર્યું. છેવટે એક જણ હરિનો લાલ નીકળ્યો. એમને સાવ ભિખારી માનીને નહીં, પણ સંજોગોનો શિકાર બનેલા ગૃહસ્થ સમજીને વીસ રૂપિયા આપી દીધા.
ડૉક્ટરની આંખમાં આંસુ આવી ગયા. રૂપિયાનું આ મૂલ્ય છે ? પેશન્ટની પલ્સ પર અડધી મિનિટ હાથ મૂકીને એ સો-દોઢસો રૂપિયા કમાઈ લેતા હતા. એકાદ કલાકનું ઓપરેશન દસ-પંદર હજાર રૂપિયા તાણી લાવતું હતું. પૈસો એમની પાસે બહુ સરળતાથી આવતો હતો. પણ એ તો એમની પાસે ! એ જેમની પાસેથી આવતો હતો એમનું શું ? એમના અસંખ્ય દર્દીઓ ગામડાંના હતા. ગરીબ હતા. એમણે આપેલી નોટોમાં પરસેવાની ભીનાશ હતી. એ ભીખ નહોતી, મજૂરી હતી અને ભીખ કરતાં મજૂરીની ટંકશાળમાં બહાર પડતી કરન્સી વધુ મોંઘી હોય છે. આ વાત આજે સમજાણી. એક ટેક્સીવાળો જોરજોરથી ઘરાકોને ખેંચી રહ્યો હતો : ‘એક સવારી કે બારહ રૂપયે…. એક સવારી કે બારહ રૂપયે !….’ ડૉ. પ્રશાંતે ગણતરી કરી જોઈ. ભાડું કાઢતાં આઠ રૂપિયા વધતા હતા. એટલામાં પેટ ભરીને નાસ્તો પણ થઈ જાય. પણ કોણ જાણે કેમ. હવે ‘ભૂખ’ મરી ગઈ હતી. વધારાના આઠ રૂપિયા મંદિરની બહાર બેઠેલાં ‘જાતભાઈઓ’માં વહેંચીને એ ટેક્સીમાં ગોઠવાઈ ગયા. સવારી ‘પેક’ થઈ ગઈ એટલે ડ્રાઈવરે ગાડી ઉપાડી. થોડી જ વાર પછી ડૉક્ટર મા સચ્ચિદાનંદની સન્મુખ બેઠા હતા.
માતાજીએ વહાલપૂર્વક એમની સામે જોયું. પ્રસાદની થાળી મંગાવીને આગ્રહપૂર્વક ભોજન કરાવ્યું. પાણી પાયું. પછી શાંતિથી પૂછ્યું : ‘બેટા, કંઈ ફરક જેવું લાગે છે ?’
‘હા, મા ! મનમાંથી અહંકાર ઓગળી ગયો. મારો પૈસો તો મારી ડીગ્રીને આભારી છે, મારી ચમક-દમકને આભારી છે. મારા કપડાંને આભારી છે. મારી ઓળખમાંથી આ બધું કાઢી નાખું તો બાકી શું રહે છે ? ઊભી બજારે એક કલાક સુધી અથડાયા કરું તો યે કોઈ આ દેહને એક રૂપિયો પણ આપતું નથી.’
‘બેટા, દુનિયાની કડવી વાસ્તવિકતા જોઈ લીધી ને ?’
‘જોઈ લીધી, મા…..!’
‘તારા માટે ભીખ માગી એવી બીજા માટે માગી શકાશે, બેટા ?’ માતાજી ધીમે ધીમે વાતનાં મર્મ તરફ આવી રહ્યાં હતાં.
‘એટલે ?’
‘છોડી દે આ માયા તમામ ! તારી જે દશા આ એક કલાક દરમ્યાન હતી, એવી જ દશા, એના કરતાં પણ વધુ દયાજનક, વધુ ક્ષોભજનક સ્થિતિ આ દેશના એંશી ટકા લોકોની છે. ઈશ્વરે તારા હાથમાં જાદુ મૂક્યો છે. એ કુદરતની કૃપાને કમાણીનું સાધન બનાવવાનું બંધ કરી દે. તારા ઈલમને છુટ્ટો મેલી દે. ચેરીટેબલ હોસ્પિટલ શરૂ કર. સાવ પડતર ભાવે સારવાર, ઓપરેશન કરવાનું ચાલુ કર. પૈસા ખૂટે તો તવંગરોની પાસે જઈને હાથ લાંબો કરજે. આ જગત માત્ર ભિખારીઓથી જ ભરેલું નથી. એમાં જગડુશા જેવા દાતાઓ પણ વસે છે. તું મારી પાસે શાંતિની ખોજમાં આવ્યો હતો ને ? જા, તને મારાં આશીર્વાદ છે. તું ગરીબ દર્દીઓને તનની શાંતિ આપ. તારા મનની શાંતિનું મૂળ એમાં જ પડેલું છે.’ માતાજીએ હથેળી ઊંચી કરી. ડૉ. પ્રશાંત પ્રણિપાતની મુદ્રામાં ઢળી પડ્યા.
આ લેખ એ મારી કવિકલ્પના નથી. આ માની ન શકાય એવી વાત જ્યારે તમે વાંચી રહ્યા હશો, બરાબર એ જ સમયે ડૉ. પ્રશાંતનું અદ્યતન ચેરીટેબલ દવાખાનું અમદાવાદના ધરણીધર દેરાસર વિસ્તારમાં શુભારંભ પામી રહ્યું હશે. તાલુકાના શહેરમાં આવેલી એમની ખાનગી, ધીકતી પ્રેક્ટીસ એમણે બંધ કરી દીધી છે. આખા પરિવારે જિંદગીની જાહોજલાલી જોઈ લીધી છે, હવે ફકીરીનો માર્ગ સ્વીકાર્યો છે. એમની પત્ની રાજીખુશીથી એમની પાછળ જ છે, અદ્દલ એ જ રીતે જે રીતે આજથી બાર વર્ષ પહેલાં લગ્નની ચૉરી ફરતે ચાર ફેરા ફરવામાં પતિની સાથે હતાં.
આજે એક વાત મારા ડૉક્ટર મિત્રોને પણ કહેવી છે. ગુજરાતભરના જુનિયર-સિનિયર તબીબોએ ‘ડૉ.ની ડાયરી’ને ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે. એટલે જ મારા મનમાં પડેલી વાત એમની આગળ રમતી મૂકું છું. જિંદગીના દસ, વીસ કે ત્રીસ વર્ષ ભલે નોટો છાપવામાં ગાળી દો, દુકાનો ખોલો કે પોલીકલીનિકના અડ્ડાઓ ચલાવો, પણ ઓડકાર આવી ગયા પછી તો કંઈક વિચારો ! પ્રત્યેક શહેરમાં કમ સે કમ એક તો એવો મર્દ પાકે જે આપણી જમાતને ઊજળી દેખાડી બતાવે. એમ ન માનશો કે નિશાન ફક્ત તમારી જ દિશામાં નોંધાયેલું છે, હું પણ તમારી વચ્ચે જ ઊભો છું. બાપદાદાની બાંધેલ ડહેલી, એક મેડીબંધ હોલ હવેલી, ગામની ચિંતા ગોંદરે મેલી, સૌ સૂતાં હોય એમ કાં લાગે ? આપણામાંથી કો’ક તો જાગે ! (જેને જાગવું હોય એ મારો સંપર્ક કરી શકે છે, બાકી ઊંઘવું જ હોય તો બિછાનાં ક્યાં કમ છે ? હા, પૈસો પથારી આપી શકે છે, ઊંઘ નહીં.)
ડૉ. શરદ ઠાકર (સત્ય ઘટના)

 
 
 
 
 
Advertisements
 

ભગવાને જ્યારે પિતાની રચના કરી…. – નવેમ્બર 16, 2011

Filed under: બોધકથા — mysarjan @ 1:46 પી એમ(pm)

ભગવાને જ્યારે પિતાની રચના કરી…. –

[‘અંતરનો ઉજાસ’ પુસ્તકમાંથી સાભાર.]

ભગવાને જ્યારે પિતાની રચના કરવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પ્રથમ એણે ઊંચું અને પડછંદ માળખું બનાવ્યું. બાજુમાં ઊભેલા દેવદૂતને નવાઈ લાગી. એનાથી બોલ્યા વિના ન રહેવાયું. ખૂબ જ નમ્રતાપૂર્વક એણે કહ્યું : ‘ભગવાન ! ક્ષમા કરજો ! પણ તમે આ કેવી વિચિત્ર રચના કરી છે ? જો બાળકો સાવ નાનાં જ હોય અને જમીનથી આટલાં નજદીક રહેવાનાં હોય તો પિતાની આટલી બધી ઊંચાઈ રાખવાનું મહત્વ શું છે ? નહીં તો એ બાળકો સાથે બરાબર લખોટી રમી શકે કે પછી નહીં તો એ કૂકા કે કૂંડાળાં રમી શકે ! એ બાળકોને પથારીમાં બરાબર રીતે સુવડાવી પણ નહીં શકે અને સાવ નમશે ત્યારે જ નાના બાળકને બચી ભરી શકશે. જો આવું જ થવાનું હોય તો આટલી ઊંચાઈનું મહત્વ શું ?’

ભગવાન હસી પડ્યા અને બોલ્યા : ‘હા ! એ બધી વાત બરાબર છે પણ જો હું એને બાળકો જેવડો જ બનાવત તો પોતે પણ મોટાં થઈને ઊંચા થવાનું છે એવો ખ્યાલ બાળકો ક્યાંથી મેળવત ? પોતાના પિતાની ઊંચાઈ એમના માટે પથદર્શક બની રહેશે.’ આ ‘ઊંચાઈ’ શબ્દ પેલા દેવદૂતને બરાબર સમજાયો નહીં.

એ પછી ભગવાને પિતાના હાથની રચના કરી. ખૂબ મોટા, નહીં જરાય સુંવાળા કે નહીં સહેજેય કૂણા ! આંગળીઓ પણ જાડી અને બરછટ ! દેવદૂતથી આ જોઈને બોલાઈ ગયું, ‘ભગવાન ! આ વખતે તો મારે કહેવું જ પડશે કે આ હાથ બનાવવામાં તમે માર ખાઈ ગયા છો. તમને એ ખ્યાલ હોય જ કે મોટા હાથ અતિ ચપળ નથી હોતા. એ કેમ કરીને બાળકના વસ્ત્રનાં બટન ખોલશે ? પિન ખોસતાં તો એને જરા પણ નહીં ફાવે. દીકરીઓના વાળની ચોટીમાં દોરી નાખતાં એને નાકે દમ આવી જશે. લાકડાનાં રમકડાંથી રમતાં જો બાળકને ફાંસ વાગશે તો આ બરછટ અને જાડા હાથ એ નહીં જ કાઢી શકે. એટલે મને તો લાગે છે કે હજુ સંપૂર્ણ રચના નથી થઈ ત્યાર પહેલાં આમાં કંઈ સુધારો કરી નાખો તો કેવું ?’

આ વખતે પણ ભગવાન હસીને બોલ્યા, ‘તું સાવ સાચું કહે છે. તારી વાત સાથે હું જરા પણ અસંમત નથી. પણ તને ખ્યાલ છે કે આ મજબૂત હાથ જ ખેતર ખેડી શકશે ! એ બરછટ હાથ લાકડાં પણ કાપી શકશે, અરે ! કુટુંબનું પેટ ભરવા માટે એ પહાડ પણ ખોદી શકશે. એ જ મોટા હાથ નદીનો પ્રવાહ બદલી શકશે, દરિયો ખૂંદી શકશે અને પોતાના નાના બાળકનું અને અન્યનું રક્ષણ કરવા શસ્ત્રો પણ સર્જી શકશે. નાનું બાળક સાંજે બહારથી રમીને આવશે પછી પોતાનું ખિસ્સું ખાલી કરીને પથ્થરો, શંખલા, ખીલીઓ, બાકસના ખાલી ખોખાં વગેરે એ હાથમાં મૂકશે અને એમાંની એક પણ વસ્તુ પાડ્યા વિના આ મોટા હાથનો વિશાળ ખોબો એ બધું જ ઝીલી શકશે. મોટા, રુક્ષ અને બરછટ હાથ હોવા છતાં પણ બાળકનો સુંદર ચહેરો એની હથેળીમાં આસાનીથી આવી શકશે !’ નવાઈ સાથે દેવદૂત સાંભળી રહ્યો. આવો વિચાર તો એણે કર્યો જ નહોતો. ભગવાન હવે પિતાના લાંબા અને મજબૂત પગની રચના કરી રહ્યા હતા. એણે પગની સાથે ખૂબ વિશાળ ખભાની રચના પણ પૂરી કરી. પછી દેવદૂત સામે જોયું. દેવદૂત જાણે ભગવાનના પોતાની સામે જોવાની જ રાહ જોઈ રહ્યો હોય તેમ બોલી ઊઠ્યો, ‘ભગવાન ! આટલા પહોળા અને લાંબા પગ હશે તો બાળક એના ખોળામાં ઊંઘી કેવી રીતે શકશે ? નાનકું બાળક પોતાના પિતાને વહાલ કરતાં કરતાં બે પગ વચ્ચેથી પડી નહીં જાય ? અને એના આટલા બધા પહોળા ખભા શું કામ બનાવ્યા છે ?’

ખડખડાટ હસતાં હસતાં ભગવાન બોલ્યા : ‘અરે ભાઈ ! માતાનો ખોળો તો મેં બનાવ્યો જ છે. અને એ બાળક માટે પર્યાપ્ત છે. આ મજબૂત પગ તો બાળક જ્યારે સાઈકલ ચલાવતાં શીખશે ત્યારે એની પાછળ દોડવા માટે છે. હળની પાછળ મજબૂત રીતે ચાલવા માટે છે. પેટિયું રળવા માટે થાક્યા વિના રઝળપાટ કરવા માટે છે. બાળક માટે લીમડા પરની લીંબોળીઓ પાડવા તેમજ આંબલી પરથી કાતરા ઉતારવા ઝાડ પર ચડવા માટે છે. અને આ વિશાળ ખભા ઉજાણીએથી પાછા આવતાં કે સરકસમાંથી મોડી રાત્રે છૂટ્યા પછી પાછા ફરતાં બાળક માથું મૂકીને નિરાંતે ઊંઘી જઈ શકે તે માટે બનાવ્યા છે. ઘરે પહોંચતાં સુધી એ પહોળા ખભા બાળકનો આધાર બની રહેશે.’ ભગવાને પિતાના લાંબા પગની નીચે મોટા મોટા ફાફડા જેવા પંજા બનાવ્યા ત્યારે પ્રશ્ન પૂછવાને બદલે દેવદૂતે ખડખડાટ હસવા જ માંડ્યું. માંડ થોડું હસવું દબાવીને એણે કહ્યું, ‘સાચું કહું પ્રભુ ! હવે તો ખરેખર હદ થાય છે. આવા મોટા ફાફડા જેવા પગના પંજા બાળકોને બિવડાવશે. નાનકડા ઘરમાં એનાં રમકડાં કે ઘરઘર રમતાં ગોઠવેલાં એના રાચ-રચીલાને કચરી નાખશે. બધું ઠેબે ચડાવશે. નદીના કાંઠે રેતીમાં બનાવેલું બાળકનું ઘર એ ખ્યાલ વગર જ ઉડાડી દેશે ! એટલે હું કહું છું કે તમે ફરી એક વાર વિચાર કરી જુઓ. નહીં તો મને આવા ફાફડા જેવા પગની રચના પાછળનો ભેદ સમજાવો !’

મુક્ત હાસ્ય સાથે ભગવાન બોલ્યા, ‘અરે નાદાન ફરિશ્તા ! કારણ અને વજૂદ વગર હું કંઈ પણ બનાવું ખરો ? તને જે પગ ફાફડા જેવા લાગે છે, એ પગ પર પગ મૂકીને નાનકડું બાળક ‘પાગલો પા…. મામાને ઘેર રમવા જા !’ તેમજ ‘ઢીચકા ઢમણ…’ જેવી રમતો રમી શકશે. એ પગ પર પગ મૂકી એ ચાલશે. એ પગના મોટા બૂટમાં રેતી, પથ્થર અને કંઈકેટલીયે વસ્તુઓ ભરવાની રમતો એ રમી શકશે. અને એ સિવાય પણ મક્કમ રીતે જમીન પર મુકાતાં એ પગલાં એનામાં આત્મવિશ્વાસ પ્રેરશે.’ દેવદૂત વિચારમાં પડી ગયો. ધીમે ધીમે એને બધું સમજાતું જતું હોય તેવું લાગતું હતું.

રાત થઈ ગઈ હતી. ભગવાન હવે પિતાનો ચહેરો બનાવી રહ્યો હતો. પિતાની રચનાનો એ અંતિમ તબક્કો હતો. જેવો ભગવાને પિતાનો દઢ અને કડક ભાવવાળો ચહેરો કંડારી લીધો કે તરત જ દેવદૂત બોલી ઊઠ્યો, ‘ભગવાન, તમે પિતાની સંપૂર્ણ રચના તો બરાબર કરી પરંતુ માતાના ચહેરાની જોડ તો આ ચહેરો ન જ આવે ! ક્યાં એક માનો ચહેરો અને ક્યાં પિતાનો ?!’ આ વખતે ભગવાન હસ્યા નહીં. ખૂબ જ ગંભીર બની ગયા. પિતાના તૈયાર શિલ્પની આંખોમાં એમણે એક એક આંસુ મૂક્યું. એ સાથે જ એ દઢ અને કડક દેખાતો ચહેરો ભાવવાહી બની ગયો. એ કડક લાગતી આંખોમાં કરુણા છલકાઈ આવી. પછી ભગવાને દેવદૂત સામે જોઈને કહ્યું, ‘હવે જો ! પિતા પણ માતાની જેટલો જ પ્રેમ પોતાનાં બાળકોને કરશે. મા જેવી જ કરુણા હું એના હૃદયમાં પણ મૂકું છું. એ પણ પોતાના બાળક માટે જીવ સુદ્ધાં આપી દેવા તૈયાર રહેશે. બાળકનો ગોઠણ છોલાશે ત્યારે એના હૃદયમાં પણ સબાકો આવશે. બાળક દુઃખથી પીડાતું હશે ત્યારે લાગણીનો ડૂમો એના શબ્દોને પણ રોકી લેશે. પોતાનું બાળક સુખી થતું હશે તો એ ગમે તેવાં દુઃખો દઢતા અને મક્કમતાથી સહન કરવા તૈયાર થઈ જશે. એના ખભે માથું મૂકી કોઈ પણ ઉંમરનું સંતાન શાતા અને સાન્તવન પામશે. એનું મન ભલે એ માતાની માફક ગમે ત્યારે ખોલે નહીં, પણ સ્નેહનું સરોવર એમાં હંમેશાં છલકતું રહેશે. અને આ આંસુ એ માટેની ખાતરીની મહોર છે !!’

દેવદૂત પાસે હવે એક પણ સવાલ બાકી નહોતો રહ્યો. એ ચૂપ થઈ ભગવાનને વંદન કરતો ઊભો રહી ગયો.

 

માર્ચ 9, 2011

Filed under: બોધકથા — mysarjan @ 6:48 પી એમ(pm)

FOOT PRINT

One night i had a dream. i dreamed I was walking along the beach with

GOD, and across the sky flashed scene from my life…

In each scene, I noticed two sets of foot prints in the  sand, one belonged

.                to me and other belonged to GOD.

when the last scene of my life flashed before us, I looked back at the foot prints

in the sand ..I noticed that many  times along to the path of my life ,there was only one set of foot prints.

I also noticed that happened at the very lowest and saddest time in my life.

This really bothered and I questioned God about it, ” GOD, you said that once i decided

to follow you , you would walked with me all the way, but I noticed that during the most

trouble some time in my life there is only one set of foot prints….I do not understand

why in the time when i need you most, you would leave me.????”

GOD replied,” My precious child, I love you and I would never leave you during your times of trials and suffering”

When you see only one set of foot prints it was , than that,….I CARRIED YOU………...

 

એક બોધ કથા મે 25, 2010

Filed under: બોધકથા — mysarjan @ 5:14 પી એમ(pm)

જીવનમાં જયારે બધું એકસાથે જલ્દી જલ્દી કરવાનું મન થતું હોય છે,.કશુક ઝડપથી મેળવી લેવાની ઈચ્છા હોય છે ત્યારે આપણને લાગેછે કે દિવસના ૨૪ કલાક પણ ઓછા પડતા હોય છે.. આ સમય એક બોધકથા ” કાચની બરણી અને બે કપ ચ્હા’ આપણને યાદ આવે છે. તર્કશાસ્ત્રના એક પ્રોફેસર વર્ગમાં આવ્યા અને વિદ્યાર્થીઓ ને પૂછતું કે આજે જીવનનો એક મહત્વનો પાઠ ભણાવવાના છે. એમણે એક કાચની બરણી ટેબલ ઉપર મૂકી. અને તેમાં ટેનીસના દડા એક પછી એક ત્યાં સુધી નાખવા માંડ્યા કે બરણીમાં વધારાના દડા સમાવવાની જગા બચી નહિ .. પછી તેમને વિદ્યાર્થીઓને પૂછ્યું શું બરણી પૂરે પૂરી ભરાઈ ગયી? .હા.. અવાજ આવ્યો.. પછી પ્રોફેસરે નાના નાના કાંકરા બરણીમાં ભરવાનું સારું કર્યું.. ઘણી વાર સુધી બરણી હલાવતા રહ્યા જ્યાં સુધી ખાલી ભાગમાં કાકરા પૂરે પુરા ભરાઈ ના જાય.. ફરીથી પ્રોફેસરે પૂછ્યું હવે તો બરણી ભરાઇ ગઇ હશે .. વિદ્યાર્થીઓ એ જોર થી હા પડી.. . પછી પ્રોફેસરે રેતીની થેલીમાંથી ધીરે ધીરે રેતી નાખવાનું સારું કર્યું.. રેતી પણ જ્યાં શક્યતા હતી તે ખાલી જગ્યામાં ભરાઈ ગયી.. હવે છોકરાઓ પોતાની મૂર્ખાઈ પર હસવા લાગ્યા.. .પાછો એજ પ્રશ્ન પૂછ્યો કે હવે તો બરણી ભરાઈ ગઇને ? જોરથી બધાયે એક અવાજે હા પડી.કે હવે તો ખરે ખર બરણી ભરાઈ ગયી છે .. પ્રોફેસરે ધીરેથી ટેબલ નીચે થી ચ્હાના બે કપ કાઢી બરણીમાં નાખ્યા .. ચા પણ બાકીની વધેલી જગા બચી હતી ત્યાં સોસાઈ ગઇ… પ્રોફેસરે ગંભીર અવાજે સમજાવવાનું સારું કર્યું કાચની બરણીને તમે પોતાનું જીવન સમજો… ટેનિસના દડો બધાથી મહત્વનો ભાગ છે અર્થાંત ભગવાન, બાળકો, મિત્રો, તંદુરસ્તી, સ્વાસ્થ્ય અને શોખ છે.. નાના કાંકરાનો અર્થ છે તમારી નોકરી, ઘર , મકાન વગેરે છે.. અને રેતી નો મતલબ નાની નાની બેકાર વાતો , ઝગડા છે.. અગર તમે કાંચની બરણીમાં પહેલા રેતી ભરી હોત તો ટેનિસના દડા અને કાંકરા માટે જગ્યા બચતી જ નહિ.. અગર કાંકરા ભર્યા હોત તો દડા ભરી સકત નહિ .. હા રેતી જરૂર ભરી શકી હોત.. ઠીક આજ વાત જીવનમાં પણ લાગુ પડે છે… અગર તમે નાની નાની વાતોની પાછળ પડ્યા રહેશો તો તમારી શક્તિ તેમજ વેડફાઈ જશે અને મુખ્ય વાતો માટે વધારાનો સમય બચવાનો નથી.. મનના સુખ માટે શું જરૂરી છે તે તમારે જ નક્કી કરવાનું છે. ટેબલ ટેનીસના દડાની ચિંતા પહેલા કરો તેજ મહત્વપૂર્ણ છે .. પહેલા નક્કી કરો કે શું જરૂરી છે .. બાકી બધેતો રેતી ને રેતી જ છે… વિદ્યાર્થીઓ ધ્યાનથી સાભળતા હતા.. અચાનક એકે પૂછ્યું,” સાહેબ તમે તેતો કહ્યું જ નહિ કે ચાય ના બે કપ નો અર્થ શું છે.. પ્રોફેસર મુછમાં હસ્યા..” હું વિચારી રહ્યો હતો કે હજુ સુધી કોઈએ આ સવાલ કેમ ના કર્યો?.. .તેનો ઉત્તર આજ છે .. “જિંદગી આપણને ભલે કેટલી પણ પરિપૂર્ણ અને સંતોશ જનક લાગે પણ પોતાના અંગત મિત્રો સાથે ચ્હા પીવાની જગ્યા હોવી જરૂરી છે….