વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

વી લવ યુ પપ્પા.. એપ્રિલ 19, 2017

Filed under: Uncategorized — mysarjan @ 12:41 પી એમ(pm)
વી લવ યુ પપ્પા… [ We love you Papa ]

 વી લવ યુ પપ્પા...[  We  love  you  Papa  ]
 
મારું આકાશ ક્યાં? – 


પાંચ વર્ષની ખુશી અને આઠ વર્ષના રોહનના આનંદનો આજે પાર ન હતો.. કાલે ખુશીની વર્ષગાંઠ છે, પપ્પા ખુશીની વર્ષગાંઠ માટે અને ખુશી-રોનક સાથે મજા કરવા માટે ઘરે આવ્યા છે. આમ તો પપ્પા આર્મીમાં છે. સરહદ પર પોતાની ફરજમાં તૈનાત હોય છે, પણ ત્રણ અઠવાડિયાની રજા લઈને ઘરે આવ્યા છે.

રોનક અને ખુશી પપ્પા સાથે રાજકોટના સિટી મોલમાં ફરવા નીકળ્યાં છે. પપ્પાએ પિંક કલરની એક સરસ ઢીંગલી ખુશીને અપાવી અને રોનકને એક શૂટગન ગમી ગઈ. બંને છોકરાઓ પોતાની ગિફટ જોઈને ખુશ હતા. ત્યાં જ નાની ખુશીએ પપ્પાને પૂછ્યું: ‘પપ્પા, તમે મને અને ભાઈને ગિફટ આપી, હવે મમ્મીને પણ અપાવો.’ પછી મમ્મી સામે જોઈને પૂછ્યું: ‘મમ્મા…, તને ગિફટમાં શું જોઈએ છે?’

ખુશીને ગાલે ટપલી મારીને રોનકનો હાથ પકડતાં મમ્મીએ કહ્યું: ‘મારી પાસે તો આ બે સુંદર ગિફટ છે. મારી ખુશી અને મારો રોનક.’

ક્રીમ કલરના પેન્ટ પર રેડી ટી શર્ટમાં શોભતા અને છોકરાઓને ખુશ કરવા મથી રહેલા પોતાના પ્રેમાળ પતિ સામું જોઈને મધુમતીએ કહ્યું: ‘અને, ભગવાને મને આવો જાબાંઝ પ્રેમાળ પતિ આપ્યો છે. હવે મારે બીજું શું જોઈએ?’

મધુમતી પ્રતિ સ્નેહાળ દૃષ્ટિએ જોતાં વિજય ચૌહાણે કહ્યું: ‘મધુ, તારા પ્રેમના બળે જ હું સાહસ ખેડી શકું છું, તું તો મારી પ્રેરણાશક્તિ છે. ઘરથી આટલે બધે દૂર, દુશ્મનોની નજીક છાવણીમાં રહેતા અમે સૈનિકો માતૃભૂમિની રક્ષા કાજે દિવસ-રાત પેટ્રોલિંગ કરીએ છીએ. અમારી વીરતામાં અમારાં માતા-પિતાના આશિષ, પત્નીનો પ્રેમ, સુખત્યાગ તથા સ્વાર્પણ ભળેલાં છે, પણ મધુ મને લાગે છે કે હવે આતંકવાદીઓનું જોર નરમ થશે. સરકાર કડક વલણ લઈ રહી છે. દેશના સીમાડે જો શાંતિનાં એંધાણ મળે તો અમારી ડ્યૂટી હળવી થાય, તો કદાચ અંગત જીવનનો આનંદ મળી શકે.’

પાંચ વર્ષની ખુશી પપ્પા શું કહેતા હતા એ ખાસ સમજતી ન હતી પણ પપ્પા કોઈ ગંભીર વાત કરે છે, કોઈ અગત્યની વાત કહે છે એવું તેને લાગ્યું. એ તો પપ્પાની પાસે જઈને વળગી પડી પછી બોલી: ‘પપ્પા…, ખુશી તમને ખૂબ મિસ કરે છે. તમે બહુ બ્રેવ પાપા છો. પ્લીઝ, પપ્પા હવે તમે બહારગામની મોટી ઓફિસમાં જતા નહીં. આઈ લવ યુ નો… પાપા.

‘જો ખુશી બેટા, તું એક વીરસૈનિકની દીકરી છે, તું લાન્સ નાયક વિજય ચૌહાણની દીકરી છે. હું આપણા દેશની સુરક્ષા માટે સરહદ પર જઉં છું, સમજી?’

પોતાની નવી બંદૂકને હાથમાં રાખી ઠોં – ઠોં કરીને નકલી ગોળી જમીન પર પાડી રહેલા રોનક સામું જોઈને વિજય ચૌહાણે કહ્યું: ‘જો ખુશી બેટા, આ તારો ભાઈ પણ મોટો થઈને મારી જેમ આર્મીમાં જોડાશે. તું શું કરીશ?’

‘પાપા, હું પણ આર્મીમાં જોડાઈશ. હું કંઈ ડરતી નથી.’ એવું કહેતાં ખુશીએ પૂછયું: ‘બોલ મમ્મા, છોકરીઓ પણ આર્મીમાં જાયને?’

‘મમ્મા, ખુશી તો આ નકલી ગોળી વાગેને તો પણ ડરે છે. એ તો સાવ ફટ્ટુ છે.’ રોનકે હસતાં કહ્યું:

‘એવું ના કહે રોનક, મારી ખુશી તો બ્રેવગર્લ છે-’ (પછી ખુશી સામું જોઈને) મમ્મીએ કહ્યું: ‘હા ખુશી બેટા, તારે જે ભણવું હોય તે ભણજે અને જે કામ કરવું હોય તે કરજે. મમ્મા તારી સાથે જ છે.’

પરિવાર સાથે સુખદ ક્ષણો માણી રહેલા લાન્સ નાયક વિજય ચૌહાણ ત્રણ અઠવાડિયાની રજામાં પ્રત્યેક ક્ષણને જીવી લેવા માગતો હતો. કદાચ સરહદ પરનો આતંકવાદ ફરી વિકરાળ રૂપે નજર સામે આવે તો? કદાચ આ દિવસો મારા જીવનમાં મને ફરી ન મળે તો? આવા વિચારોમાં ઘસડાઈ રહેલા વિજયના મનમાંથી અવાજ સંભળાયો: ‘એક સૈનિકે હંમેશાં શહાદતની ક્ષણ માટે તૈયાર રહેવાનું હોય છે. રાષ્ટ્રની રક્ષા ખાતર પ્રાણ અર્પે એ જ સાચો સૈૈનિક. અંગત સુખના મોહમાં તણાઈ જાય તે દુશ્મનો સામે બાથ ભીડી શકે?’

ત્યાં તો મધુમતીના પ્રેમાળ હાસ્યે એના મનને પ્રફુલ્લિત કરી દીધું. ખુશી અને રોનક બાળસહજ રમતનો નિર્દોષ આનંદ માણતાં હતાં. વિજયે મનોમન નક્કી કર્યું- ‘બસ, આ રજાઓ દરમિયાન મારા પરિવાર સાથે ખૂબ આનંદ માણી લઉં, પણ મધુમતીને મારે બેંક ટ્રાંઝેકશન અને અન્ય ફાઈનાન્શિયલ વિગતો સમજાવવી જોઈએ, મને ગમે ત્યારે કંઈ થઈ જાય તો? મારે એને સ્ટ્રોંગ કરવી રહી.’

શોપિંગ કર્યા પછી એક દુકાનદારને રોકડ નાણાં આપવાને બદલે એણે ક્રેડિટ કાર્ડ આપવાનું વિચાર્યું અને મધુમતીને હાથમાં ક્રેડિટ કાર્ડ આપતાં કહ્યું: ‘મધુ, જો આનું પેમેંટ તું કર…’

મધુએ ક્રેડિટ કાર્ડ હાથમાં લીધું. દુકાનદારે આપેલી પે-સ્લિપ જોઈ. પછી વિજયને કહ્યું: ‘લો, તમે સહી કરો.’ 

વિજયે કહ્યું: ‘વાહ… મધુ, તું તો ક્રેડિટ કાર્ડ વિશે જાણે છે.’

મધુમતીએ કહ્યું, ‘મિસિસ વિજય ચૌહાણે આટલું તો શીખવું જ પડે ને.’

મોલમાં ખરીદી કરીને – સાંજનું ભોજન લઈને બધા ઘરે પાછા ફર્યા – સવારે ઊઠીને બર્થડેની તૈયારી શરૂ થઈ ગઈ. સાંજે પાંચ વાગે બધા આવી જશે. લગભગ ૨૫ થી ૩૦ જણ આવશે. ખુશી અને રોનકના મિત્રો… વિજયનાં મમ્મી અને બેન-બનેવી, મધુનાં મમ્મી-પપ્પા, વિજયના મિત્ર વરુણનું ફેમિલી. બહારની 

રૂમમાં ડેકોરેશન કરી રહેલી મધુમતીએ વિજયને કહ્યું: ‘વિજય, જરા… કેકની દુકાનમાં ફોન કરો ને. બરાબર ચાર વાગે કેક લઈ આવે.’

‘પપ્પા…, એને કહેજો મારી કેક પર ધ્વજના ત્રણ રંગોની ડિઝાઈન કરે’ ખુશીએ કહ્યું.

‘પણ… ખુશી, બર્થડેની કેક પર ધ્વજના ત્રણ કલર શા માટે?’

બિકોસ… આઈ લવ માય પાપા… આઈ લવ માઈ ઈન્ડિયા.’ ખુશીએ હાથના હાવભાવ વડે કહ્યું:

આજે ખુશીને પાંચ વર્ષ પૂરાં થશે અને આજે વિજય અને મધુમતીનાં લગ્નને બાર વર્ષ પૂરાં થશે. બાર વર્ષનું સુખદ દાંપત્યજીવન… સહવાસ ઓછો, પણ સુખદ દાંપત્યજીવન. સુખદ એટલે એકમેકને અનુરૂપ થઈને જીવવું- 

પ્રેમ માટે ત્યાગ, તપસ્યા અને સમર્પણની ભાવના અહીં કેન્દ્રસ્થાને હતી.

પાર્ટીનો સમય શરૂ થયો. વિજયે ક્રીમ કલરનો અને મરૂન એમ્બ્રોડરીવાળો ઝભ્ભો અને ચુસ્ત પાયજામો પહેર્યો હતો, જો માથે ફેંટો મૂકી દે તો સોહામણો વરરાજા જ લાગે! ખુશી અને રોનકે નવા ડ્રેસ પહેરી લીધા અને વિજયના અતિ આગ્રહથી મધુમતીએ કાંજીવરમ સિલ્કની રેડ – ગોલ્ડન બોર્ડરની સાડી પહેરી હતી. નવવધૂ જેવા શણગારમાં શોભતી મધુમતી પાર્ટીનું મુખ્ય આકર્ષણ બની રહી.

વિજયનાં મમ્મી અને મધુનાં મમ્મી-પપ્પાના આશિષ લઈને આગંતુક મહેમાનો સાથે ડાંસ પાર્ટીથી આરંભ થયો. ડેક મ્યુઝિકના સથવારે જુવાનિયા અને નાનાં બાળકો સાથે વરિષ્ઠો પણ પોતાની શક્તિ મુજબ ઠેકડા મારી લેતા.

વિજય અને મધુમતી ખુશીને ખભેથી પકડીને ઝુલાવવા લાગ્યા અને ગાયું:

‘તુમ જિયો હઝારોં સાલ… સાલ કે દિન હો પચાસ હઝાર..

હેપી બર્થ ડે ટુ યુ… હેપી બર્થ ડે ટુ ખુશી… હેપી બર્થ ડે’

ઉપસ્થિત બધા મિત્રોએ ગીતમાં સૂર પુરાવ્યો.

વિજયે કહ્યું: ‘ચાલો ખુશી બેટા, હવે કેક કાપો.’

નાની પાંચ કેંડલને ફૂંકથી બુઝાવીને રોનકની મદદ વડે ખુશીએ ત્રિરંગી કેક કાપી. બાજુમાં જ ઊભેલાં મમ્મી-પપ્પા અને રોનકને કેક ખવડાવી. ફરીથી ગીત શરૂ થયું: બાર… બાર… દિન આયે.. હેપી બર્થ ડે ટુ… ખુશી…’

જોત જોતામાં ખુશીના ટેબલ પાસે નાની-મોટી ગિફટનો ઢગલો થવા લાગ્યો. ખુશીના ચહેરાનો આનંદ જોઈને મધુમતી અને વિજય પણ ખુશ થયાં.

ફરી પાછી ડાંસ પાર્ટી શરૂ થઈ. વિજય અને મધુમતી કપલ ડાંસ કરી રહ્યાં હતાં. ડેક ઉપરથી ગીત શરૂ થયું-

‘જબ કોઈ બાત બન જાયે… જબ કોઈ મુશ્કિલ પડ જાયે

તુમ દેના સાથ મેરા ઓ હમ નવાં…’

વિજયની બાહોમાં ડાંસ કરી રહેલી મધુ માટે આ દિવ્ય ક્ષણ હતી. જ્યારે મારી મધુ મારી બાહુપાશમાં છે. જાણે આખી દુનિયાનું ઐશ્ર્વર્ય મને મળી ગયું. આવી ધન્ય ક્ષણનો આનંદ બંને જણ લઈ રહ્યાં હતાં.

ત્યાં જ વિજયનો મોબાઈલ રણકયો. બહારની ગેલેરીમાં જઈને વિજયે ફોન ઉપાડયો… સામેથી કર્નલ પૃથ્વીરાજ સિંહ બોલી રહ્યા હતા: ‘સિચ્યુએશન ઈઝ સિરિયસ. વિજય, જોઈંટ ઈમિડિયેટલી. રાજકોટ એરપોર્ટસે ચાર્ટર કી એરેંજમેન્ટ હૈ.’

‘ઓ. કે.. જયહિંદ સર.’

પાર્ટી ચાલુ હતી – લગ્નજીવનનાં બાર વર્ષ પછી પણ મારી મધુ કેટલી મોહક – રમણીય લાગે છે એને હું કેવી રીતે જણાવું? વિજય મૂંઝવણ અનુભવી રહ્યો.

મધુમતીને બેડરૂમ ભણી ખેંચી જતાં વિજયે હળવેથી કહ્યું: ‘અર્જંટ કોલ આવ્યો છે. આઈ હેવ ટુ લીવ.’

મધુમતી પરવશ ભાવે વિજયને જોઈ રહી. વિજયે તેને હિંમત આપતાં કહ્યું: ‘મધુ, બી બ્રેવ. એક વીરાંગના સ્ત્રીની જેમ મને હસતાં હસતાં વિદાય આપ. તારે તો મમ્મીને, છોકરાઓને હિંમત આપવાની છે. આપણે રાજપૂત ઘરાનાના છીએ, વીરતા તો આપણા લોહીમાં વહે છેને!’

ચમકતી આંખે – મનોબળ દૃઢ કરતાં મધુ ઊભી થઈ. પછી બોલી: ‘મારા કેસરભીના કંથ… વિજય, તમે સિધાવો રણવાટ. હું તમારી શક્તિ બનીને ઊભી રહીશ.’ વિજય અને મધુ બંનેએ એકબીજાને નૈતિક બળ આપતાં આલિંગન આપ્યું.

ડિનર પાર્ટી પૂરી થઈ. વિજય બેગ તૈયાર કરીને રાત્રે નવ વાગે તો એરપોર્ટ પહોંચી ગયો. વિજય અને વરુણ બંનેએ ચાર્ટર પ્લેનમાં બેસતાં પહેલાં વતનની ભૂમિને વંદન કર્યાં.

વિજયે વતનની ધૂળને માથે ચઢાવતાં પ્રતિજ્ઞા કરી આતંકવાદી ઓપરેશન સફળ બનાવીને અમે અહીં આવીશું. આતંકવાદીઓને જીવતા યા મૃત પકડવા એ જ મારો ધર્મ છે-

કર્નલ પૃથ્વીરાજ સિંહે આદેશ આપતાં કહ્યું: ‘મેર બહાદુર સિપાહીયોં… પકડો યા ઠાર કરો…આતંકવાદી ઓપરેશન કો સફળ કરો.’

કાશ્મીરના ખીણપ્રદેશમાં જીવ સટોસટ યુદ્ધમાં સૈનિકો તૈનાત થયા. લાન્સ નાયક વિજય ચૌહાણના નેતૃત્વ હેઠળ વરુણ અને બીજા સાત સિપાહીઓ ટુકડીમાં હતા.

દસ દિવસથી સતત ઝઝૂમી રહેલા વિજય ચૌહાણના સૈનિક જૂથે આઠ આતંકવાદીઓને ઠાર કર્યા અને એક આતંકવાદી જીવતો પકડાયો, પણ જીવતા પકડાયેલા આતંકવાદીએ શરણમાં આવતાં પહેલાં છ ગોળી અંધાધૂંધ ચલાવી તેમાંની ચાર ગોળી વિજય ચૌહાણની છાતીને વીંધી ગઈ – ગઢ આલા પણ સિંહ ગેલા. જેવી સ્થિતિ ઊભી થઈ. આઠ આતંકવાદી મારાયા, પણ લાન્સ નાયક વિજય ચૌહાણની શહાદતના ભોગે.

જીવતા પકડાયેલા એક આતંકવાદીએ માતૃભૂમિની ધૂળ વિજય ચૌહાણની શહીદી પર નાખતાં એને સલામ ભરી…

રાષ્ટ્રીય સન્માન સાથે વીર શહીદ વિજય ચૌહાણનો મૃતદેહ ઘર પાસેના ખુલ્લા ચોકમાં મૂકવામાં આવ્યો.

મધુમતી પોતાનાં બે બાળકો ખુશી અને રોનક સાથે વીર શહીદને ભાવાંજલિ આપવા આગળ વધી. પતિના મૃતદેહ પર હાર અર્પણ કરીને શહાદતનાં પુષ્પોને તેણે મસ્તકે ચઢાવ્યાં. પછી મનોમન પ્રતિજ્ઞા કરતાં બોલી:

‘વિજય, તમારી શહાદત માટે મને ગર્વ છે. આંસુની અંજલિ નહીં પણ કર્મયજ્ઞની અંજલિ આપીશ. આતંકવાદની આ લડતમાં મારો રોનક પણ હું રાષ્ટ્રને સોંપીશ.’

ત્યાં ઊભેલાં સૈનિકોએ વિજયની શહીદીને પાંચ તોપની સલામી આપી.

નાનકડી ખુશી અને રોનકે કહ્યું: ‘વી લવ યુ પાપા..

વી લવ અવર ઈન્ડિયા
.’
Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s