વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

દીકરીના વેરવિખેર વિશ્ર્વને ઘાટ આપે તે મા ફેબ્રુવારી 9, 2016

Filed under: Uncategorized — mysarjan @ 5:34 પી એમ(pm)

 

images

દીકરીના વેરવિખેર વિશ્ર્વને ઘાટ આપે તે મા

કવિ ઉશનસ્- પરંપરાને જાળવીને સતત લખનારા કવિ. ખૂબ લખ્યું. અનેક કાવ્યરૂપો અજમાવી જોયાં પણ આખરે સોનેટની મનભર ઉપાસના કરનાર કવિ. જો ગુજરાતી સોનેટની ચર્ચા કરવી હોય તો ઉશનસમાં પ્રદાનની ચર્ચા કરવી જ રહી. સોનેટમાં પ્રેમ- પ્રકૃતિ ઉપરાંત ખાસ તો વતન પ્રેમ, કૌટુંબિક ચિત્રોને સહજ રૂપે આપ્યાં. ‘વળાવી બા’ આવી અને ‘હું મુજ પિતા’ જેવાં અવિસ્મરણીય સોનેટ રચ્યાં. માતા અને સંતાન વચ્ચેના અનુબંધને અનેક દૃષ્ટિએ જોયો અને હૃદયસ્પર્શી કાવ્યો રચ્યાં.

‘પરી’ કવિનું ખૂબ જાણીતું કાવ્ય નથી પણ મનમાં અનેક દિવસો સુધી રમ્યા કરે એવું કાવ્ય છે. કવિતા લખવા માટે ટોળાબંધ અનુભવોની જરૂર નથી હોતી પણ કવિતા ક્યારેક ‘વીજળીને ઝબકારે મોતી પરોવતી’ ભાવકૃતિ છે. સામાન્ય ઘટના પણ આવા સર્જનમાં નિમિત્ત બનતી હોય છે.

માતા અને દીકરીનો નાતો કેવો! દીકરીના વેરવિખેર વિશ્ર્વને મા હંમેશાં ઘાટ આપતી હોય છે. મોઢા પર ચીડ અને ચિંતા હોય પણ મનમાં ભારોભાર ઊભરાતો પ્રેમ… ભાગ્યે જ એવી મા હશે કે જેણે દીકરી માટે ‘આનું શું થશે?’ એની ચિંતા નહીં કરી હોય! ત્યારે અહીંયાં તો દીકરી નાનકડી છે. નાના હાથોથી એ ગમતા વિશ્ર્વને ખીસામાં ભરવાનો પ્રયત્ન કરે છે પણ એનો સંસાર કેવો છે! સૉનેટનું ગંભીર રૂપ પણ અહીં કેવું રમતિયાળ બની જાય છે! સોનૅટનો પ્રારંભ તો માતાને મનમાં સતાવતા પ્રશ્ર્નાર્થથી થાય છે પણ એના અંતમાં તો નવા વિશ્ર્વને અનુભવતી માતાનો વિસ્મય એક આશ્ર્ચર્યચિહ્ન રૂપે છે. ગૃહિણી ધીરે ધીરે નર્યું માતાનું સાર્થક્ય અનુભવે છે.

ફાટેલા ફરાકને સાંધવાનો પ્રયત્ન કરતી આ મધ્યમવર્ગી ગૃહિણી છે. એના મનોવિશ્ર્વને જુદી રીતે સાંધીનેઘાટ આપતા કવિ છે. દરેક ડ્રેસમાં ખીસું રાખવાનો આગ્રહ દરેક માતા શું કામ કરે છે. એનું રહસ્યપણ હળવેકથી કવિ નિર્દેશે છે. એના ડ્રેસમાં બેને બદલે ચાર ખીસાં રાખ્યાં હોય તો એ પણ સભર કરવાનું સામર્થ્ય બાળક ધરાવે છે. સ્વાર્થથી ખીસાં ભરતા માણસ કરતાં આ બાળકી કેવી જુદી પડે છે!

ભક્તકવિ સુરદાસે કૃષ્ણની બાળ લીલાનો સંદર્ભ આપ્યો. મોઢું ખોલી માતાને વિશ્ર્વરૂપ દર્શન કરાવતું કૃષ્ણનું ચિત્ર સદીએ સદીએ નવા સંદર્ભો લેતું જાણે આ યુગ સુધી આવ્યું હોય તેમ માતાની નવી અનુભૂતિ અહીં છે. સંતાનનાં ભરેલાં ખીસાંને ખાલી કરતી અને બાળકને ધમકાવતી માતાને આપણે ઓળખીએ છીએ. ત્યારે માતા સિવાય બધાં મલકાતાં હોય છે પણ અહીં તો માતાની નવી અનુભૂતિનું ચિત્ર છે. એને માટે કવિએ ચાતુર્યપૂર્વક બાળકના ખીસાંની વસ્તુઓને એક પછી એક ઠાલવી છે. આ ચિત્રને સમેટી લેવાની કવિને જરાય ઉતાવળ નથી. આવા શબ્દોની લીલાને જાણે સોનેટ પણ ગમતી ગણે છે.

સામાન્ય રીતે આઠ અને છના બે ખંડોમાં વિભાજિત સોનેટ પંક્તિઓ અહીં તો નવ અને પાંચનું વિભાજન પસંદ કરે છે. આ દીકરી પણ વર્ષો પહેલાંની છે. ૧૯૬૯ના માર્ચમાં લખાયેલું સોનેટ છે. તેથી એ જમાનાની પ્રિય સામગ્રી અહીં છે. કૂકા- આજની દીકરીને આની જાણ નથી પણ કૂકા પાંચ જોઇએ. એ પણ લાખના કે આરસના રમતિયાળ દેખાતા ગોળ ગોળ હોય. આ કૂકા રમતી બહેન અમૃતા અને કૂકાની સાથે ઊંચે ઊડતી અને પછી નીચી નમતી અમૃતાની સુંદર આંખોનું અવિસ્મરણીય ચિત્ર કિશનસિંહ ચાવડાએ ‘અમાસના તારા’ સ્મૃતિચિત્રોમાં આંકયું છે. એ પાંચીકા – લખોટી એના રંગોથી બાળકને આકર્ષતી. ચિચૂકા- અર્થાત આમલીના બી. જે ખખડે પણ ખરાં અને મોઢામાં મુખવાસની જેમ કકડાવાય. તૂટેલી બંગડીના રંગીન કાચ બાળકની દુનિયાને રંગોથી ભરી દે છે. એની સાથે કાગળના ડૂચા- જે મોટાને મન ડૂચા છે. બાળક તો એમાં ચિતરાયેલી દુનિયા સાથે મગ્ન છે. અહીં માતાની દેખાતી દુનિયા છે. એના વિચારો સાથે મનોમંથન સાથે કવિને નિસ્બત છે. કારણ એ મંથનની ભૂમિકા સાચવીને જ કવિ માતાનું નવું ભાવજગત દર્શાવવાના છે. આનું થશે શું?’ એ પ્રશ્ર્ન પાછો આવે છે પણ એ બે ઉક્તિઓ વચ્ચે તફાવત છે. બાળકના ખીસાને ઠાલવ્યા પછીની અને પહેલાંની આ ભાવસ્થિતિ છે. બાળકી તો એક એક ચીજોમાં જાણે મલકી રહી છે.

બીજા ખંડમાં કાગળની ગડીઓની જેમ પરિસ્થિતિને ઉકેલે છે. વાંકીચૂકી લખાયેલી લીટીમાં બાળકીએ તો પોતાના મનની વાત કહી છે. પરીનું ચિત્ર એક પછી એક ગડીથી ઉકેલાય છે. તેમ તેમ ગૃહિણનું પરિવર્તન સ્નેહમયી માતારૂપે થાય છે. મૌનનો પિંડ ધીમે ધીમે આકાર લઇ રહ્યો છે. પોતાના શબ્દો માટે કવિ અન્ય રચનામાં આપણને એમની ભાવનાની નિખાલસ પ્રતીતિ કરાવે છે.

‘અહો! શબ્દો મારા ઋતુ ઋતુ તણા જીવ! કુસુમો

નિરાળાં કોળી રહે રૂપક્ષી, રસથી સૌરભ થકી.’

આવું શબ્દનું વિલસતું રૂપ એમની કવિતામાં છે. ઉશનસે પૃથ્વીને પણ તૃણનો ગ્રહ કહીને સંબોધી છે. છતાં આપણને સ્પર્શતી વધુ મહત્ત્વની કવિ સંવેદના એ જ છેે કે એમણે માનવના હૃદયનાં સ્પંદનો, ભાવને અનુકૂળ સ્થિતિ ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. અહીં માતા જે ભાવને અનુભવે છે એની ગતિ ફકત એક સ્ત્રી પૂરતી મર્યાદિત ન રાખતાં જાણે બાળકીની માતાને વિશાળ ભૂમિકા આપી છે.

માતા માટે બાળકી પોતે જ ઘરમાં ઊછરતી ભૂલી પડેલી પરી બની જાય છે. અહીં પરીનું ચિત્ર તો ભલે બાળકીના કલ્પના સામ્રાજયનું એક ઉપાદાન છે, પણ એ ચિત્ર જાણે સજીવ થઇને બાળકી રૂપે માતાના મનમાં ચિરંજીવ બની જાય છે. હવે એના ખીસામાંથી બહાર પડેલી સમૃદ્ધિ અસબાબ સાર્થ બને છે. માતાનો અચંબો નિરાળો છે. ઘરમાં ઊછરતી એ પરી માટેની કોઇ ફરિયાદ નથી. આ પરિવર્તનનું દર્શન જ કવિતાનો પ્રાણ બને છે. અહીં ગહન અર્થનો બોજો નથી. એક સામાન્ય અનુભૂતિને જીવનની ધન્ય ક્ષણ સુધી કવિ પહોંચાડે છે. હવે દીકરી મોટી થશે તો પણ આ અનુભૂતિને માતા ભૂલી શકવાની નથી. વાસ્તવમાં પરી એ તો આબાલવૃદ્ધને આકર્ષનારું પાત્ર છે. સુંદર ક્ધયાનું કલ્પનાચિત્ર દરેકના મનમાં પરીરૂપે હોય છે. એ કાલ્પનિક ચિત્રને કવિ સજીવ વાસ્તવિકતા અર્પે છે. આવા અનેક ચહેરાઓ એમની કવિતાનું નિમિત્ત લઇને પ્રગટયા છે,

કવિની ઋણયુકત ઋણમુકત થવાની નિરાળી રીત છે.

‘મધુર નમણા ચ્હેરાઓનો ભવોભવનો ઋણી,

મુજ જીવનના પંથે છાયાદ્રુમો સમ જે હસ્યા.’ —

પરી

આનું થશે શું? અશું ચિંતવતી સચિંત

ફાટયું ફરાક લઇ બેસું છું સાંધવાને,

બન્ને ખીસાં સભર: નાખું છું હાથ જોવા,

તો એહનો અખિલ ને પચરંગી પૂરો

સંસાર હસ્તગત! પાંચથીયે વધારે

કૂકા! લખોટી, ચિંચૂકા, તૂટી બંગડીના

રંગીન કાચ, કંઇ કાગળના ડૂચાયે,

આનું થશે શું? જગ આખું જ બે ખીસાંમાં,

ને જે ખીસું, પડયું છ, વેરવિખેર વિશ્ર્વમાં!

હું એમ ચિંતવતી કાગળની ગડીઓ

ઉકેલું છું, લિખિત અક્ષરને ઉકેલું છું

વાંકીચૂકી- લખી લીટી મહીં કોઇ વારતા!

દોરેલ ચિત્ર પરીનું! ઊકલ્યે જતી ગડી-

મારે ઘરે ઊછરતી પરી કો ભૂલી પડી! – ઉશનસ્

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s