વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

« અન્ધશ્રદ્ધા અને કાયરો : શુભ–અશુભનું અનુમાનશાસ્ત્ર ડિસેમ્બર 23, 2015

Filed under: સમજવા જેવું,Uncategorized — mysarjan @ 11:21 એ એમ (am)

 

 

વાત સાવ સામાન્ય હતી અને અજાણતાંજ,પગ આપણને મન્દીર સુધી પહોંચાડતા હોય, એને અપવીત્ર કેમ કહી શકાય ?‏‎એમ બન્યું હતું.

એમ કરવાનો ઈરાદો પણ નહોતો કે ઉદ્દેશ પણ નહોતો; પણ થઈ ગયું. એમાંથી હોબાળો મચી ગયો. બધા દુ:ખી–દુ:ખી થઈ ગયા. જાણે બહુ જ મોટું પાપકર્મ થઈ ગયું હોય એમ સૌ બીહેવ કરવા લાગ્યા હતા.

તો વાત આટલી જ હતી કે–

દાદીમા કોઈ એક ધર્મગ્રંથ લઈને વાંચવા બેઠાં હશે અને વાંચતાં–વાંચતાં કંઈક તાકીદનું કામ આવી પડ્યું હશે, કંઈક જરુર ઉભી થઈ હશે, કોઈકે તેમને બોલાવ્યાં હશે કે બીજું કંઈક હશે; તેઓ ધર્મગ્રંથને સોફા પર મુકીને આઘાંપાછાં થયાં હશે. સોફા કંઈ ધર્મગ્રંથ મુકવાની જગ્યા તો નથી જ અને દાદીમા એ જાણતાં પણ હતાં; પરન્તુ આ ક્યાં પર્મનન્ટ ત્યાં ગ્રંથ મુકી રાખવાનો હતો ? થોડીક મીનીટો પુરતો જ ત્યાં મુકવાનો હતો. પછી ત્યાંથી લઈને એને એના યોગ્ય સ્થાને ઉંચે, કબાટમાં મુકી દેવાનો હતો. વચ્ચે ઓચીંતી ઉભા થવાની જરુરત પડી, એટલે દાદીમા સોફા પર જ ધર્મગ્રંથ મુકીને જરા આઘાંપાછાં થયાં હતાં.

બરાબર એ જ વખતે દાદીમાનો કૉલેજીયન પૌત્ર બહારથી આવ્યો. ભણી–ગણીને થાકીને આવ્યો હશે કે કદાચ ભટકી–રખડીને પણ થાકીને આવ્યો હોય, આવતાંની સાથે જ તેણે સોફા પર લંબાવી દીધું. ઉંઘ નહોતી આવી, એટલે શરીરને લંબાવી દઈને આરામ કરતો હતો; ત્યાં દાદીમા આવ્યાં. દાદીમાએ જોયું તો પૌત્રના પગ પેલા ધર્મગ્રંથને અડેલા હતા – માત્ર અડેલા હતા એમ નહીં; એના પર જ ગોઠવાયેલા હતા.

બસ, આવી જ બન્યું. જાણે મોટી હોનારત થઈ ગઈ ! દાદીમા પૌત્રને મોટા અવાજે લડવા લાગ્યાં. પૌત્રે સૉરી કહીને દીલગીરી વ્યક્ત કરી; પરન્તુ દાદીમાને મન તો જાણે આ મહાપાતક હતું ! રોષને કારણે તેમનો અવાજ ઉંચો થઈ ગયો હતો. ફૅમીલીનાં તમામ સભ્યો ત્યાં હાજર થઈ ગયાં હતાં. સૌના ચહેરા પર અણગમો અને ગભરાટ હતા. ગ્રંથ અને એ પણ પાછો પવીત્ર ધર્મગર્થ ! જ્યારે પગ તો અપવીત્ર ગણાય ! ધર્મગ્રંથને પગ લગાડાય જ નહીં. પગનો સ્પર્શ અજાણતાંયે ધર્મગ્રંથને ન થવો જોઈએ ! એમાં ધર્મગ્રંથનું ઈન્સલ્ટ કહેવાય, ધર્મનું અપમાન કહેવાય, સરસ્વતી (વીદ્યા)ની અવહેલના કહેવાય…

સૌ પેલા યુવાનને ઠપકારતાં હતાં : ‘તને કંઈ ભાન નથી પડતું અને તારામાં કશા સંસ્કાર જ નથી. તું વંઠી ગયો છે, બગડી ગયો છે. બે ચોપડી ભણ્યો એમાં પોતાને બહુ વીદ્વાન સમજે છે. સંસ્કૃતી અને પરમ્પરાઓને તો તું ફાલતું અને નકામી અને હાસ્યાસ્પદ માને છે.’

પૌત્ર બે–ત્રણ વખત સૉરી બોલ્યો; છતાં સૌએ તેને વઢવાનું ચાલુ જ રાખ્યું. આખરે અકળાઈને તે બોલ્યો, ‘મારો પગ તો એ ગ્રંથને અજાણતાં અડી ગયો છે; પણ તમે તો જાણીજોઈને ગ્રંથ અહીં મુક્યો હતો ને ! ગમે એવું તાકીદનું કામ આવી પડ્યું હોય તોય, ‘પવીત્ર ગ્રંથ’ને ટેબલ પર કે કબાટમાં મુકવામાં કેટલો વીલમ્બ થવાનો હતો ? ભુલ મારી એકલાની નથી; તમારી પણ મોટી ભુલ છે. તમેય બેદરકારી બતાવી છે. મેં અજાણતાં એમ કર્યું છે; તોય મારી ભુલ કબુલ કરું છું અને તમે તો તમારી ભુલ સ્વીકારવા પણ તૈયાર નથી! એમાં મારી કોઈ ભુલ નથી એવું મને લાગે છે; છતાં ત્રણ વખત સૉરી કહી ચુક્યો છું. જો તમારી સંસ્કૃતી અને તમારી પરમ્પરાઓ આવી જડ હોય તો હું એને ધીક્કારું છું.’

પગને આપણે અપવીત્ર માન્યા છે. હાથ પવીત્ર ગણાય. ધર્મના પુસ્તકોને હાથથી પકડાય, પણ પગ ન અડાડાય. આવું કેમ ? પગ શું પારકા, ઉછીના, ઉધારના છે ? આપણે મન્દીરે કે દેરાસરે જવું હોય તો આપણા પગ જ ત્યાં લઈ જાય છે ને ? મન્દીરનાં કે તીર્થનાં પગથીયાં પગ જ ચડે છે ને ? પગના પુરુષાર્થને કારણે જ આંખને ઈશ્વરની મુર્તી કે છબીનાં દર્શન થાય છે. એ પગ અપવીત્ર કેમ ? અને જ્યાં–જ્યાં પગ જાય છે ત્યાં–ત્યાં હાથ, મોં, આંખ, કાન, વાળ – બધું જ જાય છે. જો પગ અપવીત્ર થઈ જતા હોય તો આ તમામ અવયવો પણ અપવીત્ર થતાં જ હોવાં જોઈએ ને ! તો પછી પગ પ્રત્યે કેમ ઓરમાયું વર્તન કરવાનું ?

પણ ધર્મની અને શ્રદ્ધાની બડી–બડી વાતો કરનારા માણસો આવી નાનકડી સચ્ચાઈને સમજી નથી શકતા.

પૌત્રે કંઈ ધર્મગ્રંથને લાત નથી મારી, એની ઉપેક્ષા નથી કરી, તો પછી એમાં ધર્મગ્રંથનું અપમાન શાનું ?

અને પૌત્રે જે કહી એ દાદીમાની ભુલ તરફ તો કોઈ ધ્યાન આપતું જ નથી ! ધર્મના નામે પરીવારમાં કલહ કરવાનો ? કોઈ સૉરી કહે તોય તેને ગુનેગાર માનવાનો ? ધર્મની શ્રદ્ધા એ શું આપણને ખુલ્લાં મનનાં થવાને બદલે આવાં સાંકડાં અને સડેલાં દીમાગનાં બનાવી મુક્યાં છે ? શું આપણને આવી સંકુચીત વૃત્તીઓવાળા ધર્મની તલાશ છે ? અને જે કહેવાતો ધર્મ પારીવારીક વર્તમાન સમ્બન્ધોને કશાય કારણ વગર અભડાવી રહ્યો છે, એવો ધર્મ શું આપણો આવતો ભવ સુધારશે એવી આપણને શ્રદ્ધા છે – હૈયાધારણ છે ?

આપણી ભુલ નહીં સ્વીકારવાની અને સામેની વ્યક્તી સાચી હોય તોય તેનો જ દોષ કાઢવાનો – આ શું આપણને આપણો ધર્મ શીખવે છે ? ધર્મગ્રંથ પવીત્ર વસ્તુ છે. એમાં સારી–સારી વાતો છે, ઉમદા જીવનદર્શન છે, પુણ્યબોધ છે; તો પગ કંઈ અપવીત્ર નથી. એ ધર્મગ્રંથ ખરીદવા બજારમાં જવાનું હતું ત્યારે આપણા પગ જ આપણને બજાર સુધી લઈ ગયા હતા. કબાટમાં એ ધર્મગ્રંથને ઉંચો મુકવાનો હોય ત્યારે પગ પણ પુરો સહયોગ આપે જ છે. તો પણ ધર્મગ્રંથનું વાચન કરનારને પગ કેમ અપવીત્ર લાગે છે? ખરું અજ્ઞાની કોણ ?

એ પૌત્ર પછી મારી પાસે આવ્યો હતો. તેણે આખી ઘટના કહ્યા પછી મને કેટલાક પ્રશ્નો પુછ્યા, ‘રોહીતભાઈ, સાચું કહો; મેં ધર્મગ્રંથનું અપમાન કર્યું હોય એવું તમને લાગે છે ? ઘણાં ફૅમીલી કીમતી ધર્મગ્રંથ વસાવે છે ખરાં; પણ એને કોઈ વાચતું નથી. શો–કેસના પીસરુપે ધર્મગ્રંથને ગોઠવી રાખે છે. એમાં ધર્મગ્રંથનું અપમાન નથી શું ? ઘણા લોકો વાર–તહેવારે ધર્મગ્રંથોની પુજા કરે ત્યારે એના પર અબીલ–ગુલાલ–ચોખા વગેરે નાખે છે. ધર્મગ્રંથને આ રીતે ગંદો કરવો એનું અપમાન નથી શું ? ક્યારેક કબાટમાં મુકેલા ધર્મગ્રંથ તરફ કોઈ નજર સુધ્ધાં કરતું નથી અને એને ઉધઈ લાગે છે, ભેજ લાગે છે, એનું પુઠું અને એનાં પાનાં વળી જાય – બરડ થઈ જાય એટલી હદે એની ઉપેક્ષા થાય છે; એમાં એનું અપમાન નથી શું ? એક વખત તો એક વીધર્મી પાડોશીએ એ ગ્રંથ વાંચવા માગેલો, ત્યારે ‘વીધર્મીના હાથમાં આપણો ધર્મગ્રંથ જાય તો ધર્મ અભડાય’, એમ સમજીને સૌએ તેને ના પાડેલી. કોઈની જીજ્ઞાસાને આ રીતે જાકારો આપીને ધર્મગ્રંથને કબાટમાં કેદ કરી રાખવામાં એનું અપમાન ન કહેવાય શું ?’

મેં હજી એ પૌત્રના એકેય પ્રશ્નનો જવાબ નથી આપ્યો, વાયદો કર્યો છે. પછી નીરાન્તે ચર્ચા કરીશું, એમ કહીને તેને પાછો મોકલ્યો છે; પણ તે જરુર મારો જવાબ જાણવા આવશે. મારે તેને ત્યારે શો જવાબ આપવો ?

વાચકમીત્રો, મારે તમારું ગાઈડન્સ જોઈએ છે.

પ્લીઝ, મને કહેશો કે ધર્મગ્રંથનું અપમાન કોને કહેવાય ?

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s