વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

થોડા આંસુ થોડો પ્યાર ચાલે છે બસ કારોબાર, માટીના બદલામાં દીધું કોણે સોનું ભારોભાર નવેમ્બર 21, 2015

Filed under: જીવનમાં ઉતારવા જેવું — mysarjan @ 6:02 પી એમ(pm)

download (1)images (1)

 

થોડા આંસુ થોડો પ્યાર ચાલે છે બસ કારોબાર, માટીના બદલામાં દીધું કોણે સોનું ભારોભાર……………..
નવેમ્બર મહિનો કેલેન્ડરનાં પાનાંઓમાંથી નીકળીને પોરબંદરની ધરતી પર એની શીતળતાપૂર્ણ પગલીઓ પાડી ચૂક્યો હતો. ગર્જના કરતાં દરિયાના ઘૂઘવતા જળને સ્પર્શીને આવતી ખારી હવા પોરબંદરવાસીઓનાં ફેફસાંમાં મત્સ્યગંધા બનીને ફેલાઈ રહી હતી. સમી સાંજનો સૂરજ પશ્ચિમ દિશામાં અદૃશ્ય થવાની તૈયારીમાં હતો. ત્યારે એક સોળ વર્ષનો છોકરો થાકી-પાકીને એના ઘરની તરફ ડગલાં ભરી રહ્યો હતો. સોળ વર્ષની ઉંમર જાણીને કોઈ પણના મનમાં એવું થાય કે એ કિશોર શાળામાંથી ભણીને થાકેલો, કંટાળેલો દફતર ઊંચકીને ઘર તરફ જતો હશે, પણ એવું ન હતું. આ છોકરો તો સવારના નવ વાગ્યાથી ઊભી બજારમાં આવેલી એક દુકાનમાં ઊભા પગે નોકરી કરીને હમણાં જ છૂટ્યો હતો.

કિશોરનું નામ રેશનોઝ. પિતાનું નામ નુરુદ્દીન. અટક આડતિયા. તદ્દન સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા ખોજાં ઇસ્માઇલી પરિવારનો એક શાંત, ડાહ્યો, સંસ્કારી અને સેવાભાવના ધરાવતો ફરજંદ.
રેશનોઝને નાનપણથી જ શાળાના ભણતરમાં ખાસ રસ ન હતો. એણે પિતાને કાળઝાળ ગરમીભર્યા વાતવરણમાં સળગતા ભઠ્ઠા પાસે બેસીને ખારી શિંગ અને દાળિયા ભૂંજતા સગી આંખે જોયેલા; એટલે ગણિત-વિજ્ઞાનના ચોપડા બાજુએ મૂકીને એને મન થઈ જતું હતું ક્યાંક નાનું-મોટું કામ કરીને બે પૈસા કમાઈને પિતાના પરસેવામાં ભાગ પડાવવાનું. ભઠ્ઠીના આકરા તાપમાં ઠંડા પવનની એકાદ લહેરખી ફરકાવવાની તમન્ના આ સોળ વર્ષના કિશોરને શાળાને બદલે માધુરી નોવેલ્ટી સ્ટોર્સની નોકરી તરફ ખેંચી ગઈ હતી.

નોવેલ્ટી સ્ટોરના શેઠે નોકરી આપતી વખતે જ પૂછી લીધું હતું, ‘કામ કેટલું કરીશ? અને પગાર કેટલો લઈશ?’
‘પગારમાં એક પૈસો પણ નહીં અને કામ તમે કહેશો એટલું.’ રેશનોઝની આંખોમાં જગતમાં જવલ્લે જ જોવા મળે તેવી અનેરી ચમક હતી.
શેઠને થયું હશે: ગજબ છોકરો છે! પાગલ લાગે છે. જોઈએ તો ખરા કે કેવું કામ કરે છે!
ચાર-પાંચ દિવસમાં જ શેઠને સમજાઈ ગયું કે આ તો ચીંથરામાં વીંટાયેલું રતન છે. ધૂળમાંથી જડી આવેલો હીરો છે. રેશનોઝની ઇમાનદારી, ખડેપગે કલાકો સુધી કામ કરવાની ધગશ, ગ્રાહકો જેમાં મોટાભાગની બહેનો જ હોય તેમની સાથે નજર ઝુકાવીને આદરપૂર્વક વાત કરવાની તમીજ આ બધું શેઠને માફક આવી ગયું. લટકામાં બીજું એક પણ વ્યસન ન મળે. ચા પણ પરાણે પીવડાવે તો જ પીવે. એના ભરોસે દુકાન સોંપીને શેઠ જમવા માટે ઘરે આંટો મારી આવે તો પણ ગલ્લામાંથી એક પાઈ પણ આડીઅવળી ન થાય.

મહિનો પૂરો થયો. શેઠે રેશનોઝને બોલાવીને કહ્યું, ‘લે, આ તારો પગાર. પૂરા એકસો ને પંચોતેર રૂપિયા છે. ગણી લે.’
રેશનોઝ સંકોચ પામી ગયો, ‘પણ મેં તો પગારમાં કંઈ ન લેવાની વાત કરી હતી. મારે તો કામ શીખવું હતું.’
‘રાખી લે, છોકરા! લક્ષ્મી આવતી હોય તો લઈ લેવાય. ના ન પડાય અને આ તારા કામનો પગાર છે. જો તારી ઇમાનદારીનું મૂલ્ય આંકવા બેસું તો કુબેરનો ખજાનો પણ ટૂંકો પડે. બેટા, રાખી લે આ રકમ. તારા ઘરમાં ખપમાં આવશે.’
રેશનોઝે રૂપિયા રાખી લીધા. તનથી થાકેલો પણ મનથી ઉત્સાહિત એવો આ સોળ વર્ષનો કિશોર ખિસ્સામાં આવડી મોટી તગડી રકમ લઈને ઘર ભણી જતો હતો ત્યાં એના કાન ચમક્યા. રસ્તામાં આવતી એક દવાની દુકાન આગળ એક ગ્રાહક અને દુકાનના માલિકની વચ્ચે ચાલતી રકઝક સાંભળીને એ થંભી ગયો.

એક મોટી ઉંમરનો ભરવાડ ભાભો મેડિકલ સ્ટોરના માલિકને એની તળપદી વાણીમાં વિનવી રહ્યો હતો: ‘પણ આટલા બધા રૂપિયા મારે કયા ઝાડ માથેથી લાવવા? હું તો ગરીબ ભરવાડ છું. મારી પાંહે વીહ રૂપિયા જ સે.’
‘તો પછી હું દવા ન આપું.’ દુકાનદારે રોકડું પરખાવ્યું. ‘કેમ ન આપો? તમે તે માણહ છો કે..? મારો એકનો એક જુવાન દીકરો મરવા પડયો સે. દાગતરે આ દવાની ચિઠ્ઠી લખી આપી. હું લેવા આવ્યો સું. ને તમે ના પાડો ઈ કેમ હાલે?’
રેશનોઝ દ્રવી ગયો. એનાથી રહેવાયું નહીં. એણે નજીક જઈને દુકાનદારને પૂછ્યું, ‘ભાઈ, શું વાત છે? દુકાનદાર રેશનોઝને ઓળખી ગયો.’
‘તું તો બાબુભાઈ સિંગવાળાનો દીકરોને? જા, ભાઈ, જા! આમાં તારુ કામ નથી…’
‘પણ મને કહો તો ખરા કે વાત ક્યાં અટકી છે!’ રેશનોઝ જીદ પર આવી ગયો.

‘આ ભાભો એના દીકરા માટે દવાઓ ખરીદવા આવ્યો છે. દવાનું બિલ થાય છે એકસો ત્રીસ રૂપિયા જેટલું. ડોસા પાસે માત્ર વીસ રૂપરડી છે. હું કેવી રીતે માલ આપું એને?’ દુકાનદારનો જવાબ સાંભળીને રેશનોઝ આઘાત પામી ગયો. જે ચીજ આ ગરીબ ડોસાના દીકરા માટે જીવનરક્ષક દવા હતી તે જ ચીજ આ વેપારીને મન કમાણી માટેનો માલ હતી! વાહ રે કુદરત! આ દુનિયા સાવ આવી જ છે? જે છે એને બદલાવી ન શકાય? કોણ બદલી શકે? કેવી રીતે બદલી શકે?
સોળ વરસની કુમળી વયે દિમાગમાં બીજું તો શું ઊગે? કાચી-કાચી સમજણ ઊગી અને સાવ પાક્કી કરુણા જન્મી. ફટ દેતાકને છોકરાનો હાથ ખિસ્સામાં ગયો. ઝટ્ટ દઈને બહાર આવ્યો. પૂરો પગાર દુકાનદારના હાથમાં મૂકી દીધો, ‘શેઠ, પૂરા એકસો ને પંચોતેર છે. આ દાદાની પાસે વીસ રૂિપયા છે. બાકીના ખૂટતા રૂપિયા આમાંથી લઈ લો અને એમને દવાઓ આપી દો.’

દુકાનદારની આંખો પહોળી થઈ ગઈ. એ આ છોકરાના પિતાની આર્થિક હાલત જાણતો હતો, પણ એને મમ-મમ સાથે નિસ્બત હતી, ટપ-ટપ સાથે નહીં. એણે પગારમાંથી એકસો ને દસ રૂપિયા ગણીને બાકીની રકમ રેશનોઝને પાછી આપી દીધી. રેશનોઝ એ જ મૂળ મિજાજ સાથે ઘરની દિશામાં ચાલવા માંડ્યો. ત્યાં જ પાછળથી અવાજ સંભળાયો; પેલો ડોસો એને કહી રહ્યો હતો, ‘એ ઈ… છોકરા..! એ મારા બાપલા! મારા દીકરાનો જીવ બચાવનાર ભગવાન! ઘડી વાર ઊભો તો રે, ભાઈ!’
રેશનોઝ ઊભો રહ્યો: ‘હજુ વધારે રૂપિયાની જરૂર છે? તો આપું…’ એણે ખરેખર ખિસ્સામાં હાથ નાખ્યો.

‘ભાભા રડી પડ્યા, દીકરા, તું એવડો બધો પૈસાદાર સો? મને તારો બંગલો તો બતાવ. મારે તારાં મા-બાપને જોવા સે.’
રેશનોઝ હસ્યો. ડોસાને પોતાના ઘરે લઈ ગયો. ડોસો ઘર જોઈને આભો બની ગયો. બે નાની ઓરડીઓ હતી. નવ જણાનો પરિવાર હતો. ધનથી ગરીબ પણ મનથી તવંગર આ છોકરાની ઉદારતા અને માનવતા જોઈને એ ગરીબ ભરવાડની આંખો છલકાઈ ઊઠી. એના મોઢામાંથી આશીર્વાદના શબ્દો સરી પડ્યા, ‘દીકરા, ભગવાન તારું ભલુ કરસે. તેં આજે મારા દીકરાનો જીવ બચાવ્યો સે. ભગવાન કામનો બદલો વાળી આપસે.’ સાચા અંત:કરણમાંથી નીકળેલા આશીર્વાદ શું ઈશ્વર આવીને બેસી જતો હશે? અલ્લાહની મહેરબાની વરસી જતી હશે? દુ:ખી માનવીના દિલમાંથી નીકળેલી દુવા ભવિષ્યવાણી બની જતી હશે? ગમે તે કહો, પણ રેશનોઝ નામના પોરબંદરના એ કિશોરની જિંદગીએ એ દિવસથી કરવટ બદલવા માંડી.

આ ઘટના 1985ના નવેમ્બર મહિનામાં ઘટી હતી. એ પછીના ગણતરીના જ મહિનાઓ બાદ રેશનોઝના કિસ્મત આડેનું પાંદડું ખસી ગયું. ખસ્યું તો એવું ખસ્યું કે આજ દિન સુધી પાછું ક્યાંય જોવા મળ્યું નથી. રેશનોઝના એક મોટા ભાઈ વર્ષો પહેલાં પેટિયું રળવા માટે ઈસ્ટ આફ્રિકા ચાલ્યા ગયા હતા. ત્યાં કોઈકની દુકાનમાં નોકરી કરતા હતા. અચાનક એક દિવસ એ પોરબંદર આવી ચડ્યા, હું શાદી માટે આવ્યો છું. મારા માટે કન્યા શોધો. ઘરમાં આનંદ છવાઈ ગયો. મોટા ભાઈ શાદી કરીને દુલ્હનની સાથે પાછા પરદેશ ઊડી જતા હતા ત્યારે રેશનોઝને પણ લેતા ગયા, તારામાં કામ કરવાની ધગશ છે. ચાલ, તને પણ હું નોકરી અપાવી દઉં.

નોકરીમાંથી પોતાની નાનકડી દુકાન થઈ. પછી મોટી દુકાન. પછી આસમાનમાંથી ગેબી વરસાદ વરસ્યો. નામદાર આગાખાને બતાવેલી નેકીની રાહ પર ચાલતો આ પરિવાર સમૃદ્ધિની સીડીના એક પછી એક પગથિયાં ચડતો ગયો. એક દિવસ એક ધર્મગુરુએ રેશનોઝને સલાહ આપી, ‘તારું નામ બદલી નાખ. રેશનોઝ શબ્દનો કોઈ અર્થ નીકળતો નથી. હું સૂચવું છું; તારું નામ રીઝવાન રાખી લે. બરકતના બારેય મેઘ તારા માથે ખાંગા થઈને વરસી પડશે.’ આજે રીઝવાન આડતિયા ઈસ્ટ આફ્રિકાના ઉદ્યોગજગતમાં સૌથી મોટું માથું અને સૌથી જાણીતું નામ ગણાય છે. મોઝામ્બિક, લુમ્બાસી, કોંગો ઉપરાંત બધા મળીને અગિયાર દેશોમાં ફેલાયેલા એકસો પચાસ જેટલા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સના તેઓ માલિક છે. આડતિયા બંધુઓ બીજા પણ અનેક બિઝનેસ ધરાવે છે.

રીઝવાનભાઈ સમૃદ્ધિના શિખર ઉપર બેઠા પછી પણ જરૂરતમંદોને ભૂલ્યા નથી. આવા જ એક ગરીબના મુખેથી નીકળેલી દુવાએ તો તેમને આ શિખર સુધી પહોંચાડી દીધા છે. આ વાતને યાદ રાખીને તાજેતરમાં જ એમણે રીઝવાન આડતિયા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. ભારતનાં એકસો ગામોને આગામી પંદર વર્ષ માટે દત્તક લેવાનું જાહેર કર્યું છે. દેશના પ્રધાનમંત્રી, રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા વહીવટી અધિકારીઓ સાથે મુલાકાતો કરીને 2030 સુધીમાં કરોડો રૂપિયાની સખાવતી યોજનાઓ ઘડી કાઢી છે.

રીઝવાનભાઈ જેટલો વિનમ્ર ધનપતિ ગૂગલ ઉપર શોધવા જઈએ તો પણ બીજો ન જડે! સમાજને તેમનો એક જ સંદેશ છે: તમારી જે કંઈ કમાણી હોય તેમાંથી દસ-વીસ ટકા રકમ ગરીબોને આપતા રહો! મદદ કરવા માટે લખપતિ કે કરોડપતિ હોવું ફરજિયાત નથી. તમે જો ત્રણ હજાર રૂપિયા જ કમાતા હો તો એમાંથી પણ ત્રણસો રૂપિયા સારા કામમાં ખર્ચી નાખજો. તમારે ઘર ચલાવવામાં જે તૂટ પડતી હશે એમાં ત્રણસોની વધારે પડશે, પણ પછી ઉપરવાળા તરફથી જે રહેમ વરસે છે તે તમે જોતા રહેશો. જો વિશ્વાસ ન પડતો હોય તો મારી તરફ એક નજર ફેંકી લેજો. પંચાસીમાં દીધેલા એકસો દસ રૂપિયા આજે 2015માં દોઢસો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ બનીને પાછા આવ્યા છે!!!

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s