વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

જોઈએ છે: બા અને દાદા! ઓગસ્ટ 23, 2015

Filed under: Uncategorized — mysarjan @ 12:13 પી એમ(pm)

જોઈએ છે: બા અને દાદા!

એક નાનકડો પાંચ-સાત વર્ષનો છોકરો સ્કૂલબસમાંથી બપોરે બે વાગે તેના ઘરના બિલ્ડિંગ કેમ્પસ પાસે ઊતરે છે. તેની રાહ જોઈને એક ચોવીસ-પચ્ચીસ વર્ષની મેલાં-ઘેલાં સલવાર કમીઝ પહેરેલી એક યુવતી ઊભી છે. તે છોકરો જેવો બસમાંથી ઊતરે છે તેવી જ પેલી યુવતી તેની સ્કૂલબેગ પેલા છોકરા પાસેથી લઈ લે છે. પછી પેલા છોકરાનો હાથ પકડીને તેને રસ્તો ક્રોસ કરાવે છે અને સાચવીને બિલ્ડિંગની લિફટમાં તેને લઈને ટેન્થ ફ્લોર પર પહોંચે છે. ટેન્થ ફ્લોરના ચારમાંના એક ફ્લેટનો દરવાજો ખોલે છે. પેલા નાના બાળકના બૂટ-મોજાં કાઢે છે અને સ્કૂલ યુનિફોર્મના બદલે ઘરમાં પહેરવાના ટી શર્ટ-શોર્ટસ પહેરાવે છે. હાથ પગ ધોવડાવીને નેપકિનથી લૂછી આપે છે. પછી બાળકને ડાઈનિંગ ટેબલ પર બેસાડીને પ્લેટમાં જમવાનું આપે છે. બાળક ટી.વી. ચાલુ કરીને પોગો ચેનલ પર બોબ ધ બિલ્ડર કાર્ટૂન સિરિઝ જોતા જોતા જમે છે. બાળક ભાગ્યે જ એકાદ બે શબ્દ ઉચ્ચારે છે. આજ્ઞાંકિત બાળકની જેમ પેલી યુવતી કહે છે તે બધું જ કામ કરતો રહે છે. તે જમે છે દરમિયાન પેલી યુવતી ઘરની સફાઈ કરે છે. કપડાં મશીનમાંથી કાઢીને બહાર દોરી પર સૂકવે છે. સાવરણીથી કચરો કાઢતા ધૂળ-કચરો ઊડે છે કવચિત બાળકની પ્લેટ પર રજકણો પડતા હશે. પણ તે યુવતી આવી બધી બાબતની પરવા કરે તો કામ થઈ રહ્યું. આ કંઈ એક જ ઘર થોડું છે? હજુ તો તેણે બીજા પાંચ ઘરના કામ કરવાનાં છે. આટલી બધી ચોખલિયાત કરવા રહે તો ક્યારે બધાં કામ પતાવેને ક્યારે ઘરે જાય? બાળક જમી રહે એટલે પછી તેને પાણી પીવડાવે છે, બાળકને પાણી પીવું ગમતું નથી એટલે તે ઢોળી નાખે છે. પેલી યુવતીને ગુસ્સો આવે છે, મેરે સાથ બદતમીઝી કરોંગે તો મેડમ કો બોલ દૂંગી. અબ ચલો સો જાઓ મુજે દેર હો રહી હે. બાળકને સમજાવીને પટાવી તેને પાણી પીવડાવવાનો સમય નથી. અને તે બાળકને સરસ રીતે સજાવેલા તેના બેડરૂમ પરના બેડ પર સૂવડાવીને ઘર બહાર નીકળે છે દરવાજો બંધ થતો બાળક જોઈ રહે છે. અને ત્રણ-બેડરૂમ હોલ પ્લસ કિચનના સરસ રીતે સજાવેલા ફ્લેટમાં તે બાળક સાંજે પાંચ સુધી એકલું રહેવાનું છે. 

એક જ સ્કૂલબસમાંથી ઉપર જણાવ્યું તેટલી જ ઉંમરનો એક બીજો છોકરો પણ બસમાંથી ઊતર્યો છે. જેવો તે બાળક બસમાંથી ઊતરે છે એક જૈફવયના અંકલ તરત તેના હાથમાંથી સ્કૂલબેગ લઈ લે છે. ને તેનો હાથ પકડે છે, પણ બાળક હાથ છોડાવી લે છે અને જીદ્દ કરે છે કે મને તેડી લો. પેલા અંકલ હસતાં હસતાં પેલા છોકરાને તેડી લે છે. પછી બન્ને જણાં ટેન્થ ફ્લોર પરના તેમના ફ્લેટના દરવાજે આવે છે તો ત્યાં એક જૈફવયના આન્ટી બારણા પાસે તેની રાહ જોઈને ઊભાં છે તે જોઈને બાળક ખુશ થઈ જાય છે. પેલા આન્ટી બાળકને તેડી લે છે અને તેના ગાલ પર વહાલ કરીને આવી ગયો મારો દીકરો તેમ કહે છે તેવું જ બાળક ખિલ ખિલ હસે છે અને પટ પટ બોલવા લાગે છે. બા આજે સ્કૂલમાં તો આમ થયુંને તેમ થયું. મેં તો આજે ડ્રોઈંગ બુકમાં પીકોક દોર્યો તો ટીચરે મને ગુડ આપ્યું. આજે શર્મા ટીચર રિન્કુ પર ગુસ્સે થતા હયાં, રિન્કુને તેની મમ્મી હોમવર્ક કરાવવાનું ભૂલી ગઈ હતી. પેલા આન્ટી તેની વાતમાં હોંકારો પુરાવતા રહે છે. તેનો વાત કરવાનો ઉત્સાહ જળવાઈ રહે એટલે સામે સવાલ જવાબ પણ કરે છે. ને તેની વાત સાંભળતા સાંભળતા પેલા બાળકનો યુનિફોર્મ કાઢીને તેને ઘરમાં પહેરવાના ટી-શોર્ટસ પહેરાવે છે. હાથ-પગ ધોઈને ડાઇનિંગ ટેબલ પર બાળકને બેસાડે છે. ત્રણ થાળી પીરસે છે. દાદા-દાદી સાથે બાળક હસતો બોલતો રમત કરતો જમે છે. છાશ પીવાનું તેને ગમતું નથી એટલે જમીને તરત ખુરશી પરથી નીચે ઊતરીને દોડાદોડી કરે છે. પેલા અંકલ પોતે છાશ પીવે છે અને તેનાથી થતી મૂછો હોઠ પર દેખાડે છે એટલે તેમનું જોઈને પેલો બાળક પણ છાશ પીવે છે જેથી કરીને દાદા જેવી મૂછો થાય. પછી બાળક દાદા પાસે વાર્તા સાંભળતા સાંભળતા સૂઈ જાય છે.

આજ ભારતમાં કેટલાં પરિવાર જોઈન્ટ ફેમિલીમાં રહે છે અને કેટલા પરિવાર ન્યુક્લિયર છે તે અહીં કહેવાનું પ્રયોજન નથી. છતાં એ વાત નકારી ન શકાય કે સંયુક્ત કુટુંબો ઓછા અને આછા થઈ રહ્યાં છે તે હકીકત વરવી વાસ્તવિકતા છે. આજથી પચાસ વર્ષ પહેલા સંયુક્ત કુટુંબ કોને કહેવાતું હતું? તો કહો કે એક જ ઘરમાં દાદા-દાદી-કાકા-કાકી-મોટા પપ્પા-મોટી-મમ્મી અને ફઈઓ અને તેમના બે-ચાર બાળકો સાથે રહેતા હોય તે સંયુકત કુટુંબ ગણાતું. પછી મોડર્નનાઈઝેશન, અર્બનાઈઝેશન, ઈમ્પેક્ટ ઓફ વેસ્ટર્નાઈઝેશન આવ્યું ને વિમેન એમ્પાવરમેન્ટ ને એ બધું કરતાં-ગણતાં સંયુક્ત કુટુંબની વ્યાખ્યા ફરી બદલાઈ. માતા-પિતા કોઈ એક દીકરા સાથે રહે તેને સંયુક્ત કુટુંબ ગણાતું થયું. અને હવે સયુક્ત કુટુંબ એટલે અમે બે અમારાં બે કે અમે બે અને અમારો એક!

ઊપર વર્ણવ્યા તેવા હજાર કિસ્સા હર મહાનગરમાં જોવા મળે છે. આ ઘર ઘર કી કહાની છે. આજે હસબન્ડ-વાઈફ બન્ને જોબ કરે છે. વર્કિંગ પેરેન્ટસ બાળકની ખુશી માટે પૈસા ખર્ચ કરતાં વિચારતા નથી. ડબલ ઈન્કમ છે એટલે પૈસાથી બધું સેટલ થઈ જાય. બાળકની જરૂરિયાત માટે આયા/રાંધવા માટે કૂક/ઘર ક્લિનિંગ માટે મેઈડ. પૈસા ખરચતા તો શું નથી મળતું? પણ પૈસા ખરચીને પણ બાળકને જોઈતી હૂંફ કે પ્રેમ આપી ન શકાતો હોય તો પૈસા ખર્ચ કરવા કેટલા વાજબી? ને એમ અમારે શું કામ સાસુ-સસરાના નખરાં ઉઠાવવા જોઈએ કે અમે શું કામ સાથે રહીએ તેવો ભાવ વધતો જાય છે. પણ અરસપરસ સહનશીલતા જ ઘટતી જાય છે. વાંક છેક યંગ કપલનો નથી. વડીલો પણ પોતાનો અહમ્ ને મોભો છોડી શકતા નથી. અમે મોટા છીએ એટલે અમે કહીએ તે પ્રમાણે જ થવું જોઈએ એટલે ચા તો હું કહુ તે જ સમયે બનાવવી જોઈએ તેવી નજીવી બાબત પર પણ મનદુ:ખ થતું રહે છે. સરવાળે ભોગવે કોણ છે? તો કહો કે દાદા-દાદી ને મમ્મી-પપ્પાનો લાડકવાયો કે લાડકવાયી. સમજ્યા કે પ્રાયવસી અને પર્સનલ સ્પેસનો આ જમાનો છે. પણ ફૂલ જેવા નાનકડાં બાળકો આ કારણે પિસાય છે અને બાળક દાદા-દાદીના પ્રેમ અને લાડથી વંચિત રહી જાય છે. તેને માટે કોણ જવાબદાર?

અને તે માટે કોણ જવાબદાર? ના માત્ર બાળકની મમ્મી જ તે માટે જવાબદાર નથી. બાળકના પરિઘમાં આવતી દરેક વ્યક્તિને તે માટે જવાબદાર ઠેરવી શકાય. બાળકના દાદા-દાદી,નાના-નાની અને માતા-પિતા એમ બધાં જ, કારણ કે બાળકને ઉછેરવાની, તેને સારું બાળપણ આપવાની પહેલી જવાબદારી તેના માતા-પિતાની છે. પછી બીજા નંબર પર દાદા-દાદી ને નાના-નાની આવે. પરસ્પર બનતું ન હોય તો બાળક દસ-બાર વર્ષનું થાય ત્યાં સુધી પણ થોડી સહિષ્ણુતા દાખવીને બાળક માટે સાથે રહી ન શકાય? કારણ કે જે પ્રેમ, હૂંફ, કેરિંગ અને લાડપ્યાર દાદા-દાદી આપી શકે તે આયા પાસેથી તો ક્યાં મળવાના? હવેનો સમય એવો તો નથી કે સ્ત્રી બાળક માટે પોતાની કરિયર છોડી દે. આમ પણ બાળકના જન્મ માટે તેને કરિયરનાં થોડાં વર્ષો જતા કરવા પડે છે. પછી વધારે બલિદાનની અપેક્ષા વધુ પડતી જ કહેવાય. બાળકના માતા-પિતા તથા દાદા-દાદીએ સાથે બેસીને પોતાના પ્રોબ્લેમ ઉકેલવા જોઈએ જેથી બાળકને સહન કરવાનું ન આવે. આખરે બાળકની ખુશી જ દરેક ઈચ્છતું હોય છેને! અગર સાસુ-સસરા કે વહુ સાથે રહેવા જ તૈયાર ન હોય કે અરસપરસ રહી જ ન શકાય તેવું હોય તો વહુના મમ્મી-પપ્પાને એટલે બાળકના નાના-નાનીને સાથે રાખીને બાળકને દાદા-દાદીની હૂંફ મળી રહે તેવું વિચારવું ખોટું નથી. કારણ કે બાળકનો ઉછેર આયાના મેલાં-ઘેલાં આંચલમાં ન થતા દાદી નહીં તો નાનીના ખોળે થાય તો શું ખોટું?

પણ તે માટે સમાજ શું કહેશે કે દીકરીના ઘરનું તો અમે પાણી પણ ના પીએ તેવા બધા વિચારો-આચારો પડતાં મૂકીને માત્ર બાળકનું બાળપણ જળવાઇ રહે તેવી નિસ્બત રાખીને વિચારવામાં આવે તો આ દુનિયાનું કોઈ બાળક દાદા-દાદીના લાડ-પ્રેમથી વંચિત નહીં રહે. બાળકને તેના વડીલોનો સમય જોઈતો હોય છે. પછી તે દાદા-દાદી હોય કે નાના-નાની, કારણ કે તેને દાદી કે નાની વચ્ચેનો ફરક નથી ખબર તે તો માત્ર પ્રેમની ભાષા જાણે છે.

 
Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s