વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

ઓગસ્ટ 2, 2015

Filed under: Uncategorized — mysarjan @ 11:55 એ એમ (am)

ઉજવ્યા અવસરો મેં એ રીતે મુજ પાયમાલીના, કે શરમાયા એ જોઇ વૈભવો જાહોજલાલીના……….

રાજસ્થાનમાં આવેલું નાનકડું ગામ. માંડ પંદરસો-બે હજારની વસ્તી. ગામમાં જાણીતું બીજું કંઇ નહીં, પણ જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનનાં દેરાસરનાં કારણે દેશભરમાં સુખ્યાત. ગામનું નામ દાંતરાઇ.
આ ગામમાં લગ્નનો માહોલ સોળે કળાએ ખીલ્યો હતો. વેણુ નામની કન્યા અને વિકાસ નામનો વરરાજા. બીજા દિવસે તો લગ્ન થવાના હતા. બેઉ ઘરમાં ગણેશ સ્થાપના થઇ ગઇ. ગૃહશાંતિના મંત્રોચ્ચારોથી આખા ગામની હવા પવિત્ર બની ગઇ હતી. વિકાસના દેહ પર પીઠીનો રંગ ચડી ચૂક્યો હતો. હાથના કાંડે મીંઢળ બંધાઇ ગયું હતું. મેડીબંધ મકાનના બીજા માળે આવતીકાલની મધુરજની માટે ઓરડો શણગારાઇ રહ્યો હતો. પ્રસંગ બે ઘરનો હતો, પણ હિલ્લોળે આખું ગામ ચડ્યું હતું.

‘ મધુબહેન, તમે તો હવે સાસુ બની જવાનાં! આવતીકાલે રૂમઝૂમતી વહુ ઘરમાં આવી જશે. પરમ દા’ડાથી ઘરકામનો પૂરો ભાર વહુ ઊપાડી લેશે. તમારે તો ખાઇ-પીને સુખનો ઓડકાર જ લીધા કરવાનો. ખાટમાંથી પાટ પર અને પાટ પરથી ખાટમાં!’ જાન-પક્ષની કોઇ સ્ત્રી એ વરની માને કહ્યું.

મધુબહેનનું નામ ભલે ‘મધુ’ એટલે કે મીઠું હતું. પણ એમનાં વાણી-વર્તન-સ્વભાવમાં નરી કટુતા જ કટુતા રહેલી હતી. એમણે ગર્વિષ્ઠ મસ્તક સાથે જવાબ આપ્યો, ‘ તે એમાં નવાઇ શી છે? દીકરાની મા છું, તો વહુની સેવાનો લાભ તો લઇશ જ ને! પણ પરમ દી’થી નહીં, દસમા દિવસ પછી…….’

‘એવું કેમ?’
‘નવી વહુ નવ દા’ડા. કન્યાનાં હાથે-પગે મૂકેલી મેંદીનો રંગ ઊતરી જાય ત્યાં સુધી તો એની પાસે કામ ન જ કરાવાય ને? પછી એ છે અને હું છું; આખી જિંદગી જો વહુને તલવારની ધાર ઉપર ન રાખું તો મારું નામ મધુકાન્તા નહીં.’

વરપક્ષની મહિલાઓ પણ જાણતી હતી કે વેણુને સાસરિયાંમાં બધી વાતનું સુખ હશે, પણ એક વાતનું જરાતરા દુ:ખ રહેશે. એ દુ:ખ એની સાસુનું. મધુબહેન સ્વભાવમાં અકોણા હતા. એ વાત જગજાહેર હતી. એમના પતિ જયેન્દ્રભાઇ પણ એમનાંથી ડરતા હતા અને દીકરો વિકાસ તો મમ્મીની સામે બોલી જ શકતો ન હતો.

લગ્નના આગલા દિવસે સાવ અણધારી ઘટના બની ગઇ. વેણુ પથારીમાંથી ઊઠી, ત્યારે એને કંઇ દેખાયું નહીં. પહેલાં તો લાગ્યું કે ઊંઘના લીધે એના પોપચાં ચોંટી ગયા હશે. એણે વોશબેઝિન પાસે જઇને મોં ધોયું. બંને આંખમાં ઠંડા પાણીની બે-ચાર છાલકો મારી દીધી. કશો જ ફરક નોંધાયો નહીં. વેણુએ ગભરાઇને ચીસ પાડી, ‘ મમ્મી…….!’ ચીસ ભલે મમ્મીનાં નામની હતી,પણ જવાબમાં આખું ઘર ધસી આવ્યું. લાડકી દીકરી માત્ર ચોવીસ જ કલાકની મહેમાન હોય ત્યારે સ્વજનોના વહાલની હાલત કેવી હોય? બધાં પૂછવા લાગ્યા, ‘ શું થયું, દીકરી? કેમ ચીસ પાડી તેં?’

‘ મમ્મી! પપ્પા! મને આંખેથી કશું જ ભળાતું નથી. મને અચાનક શું થઇ ગયું? મને મમ્મી પણ નથી દેખાતી. પપ્પા પણ નથી દેખાતા. ભાઇ, કાકા-કાકી, માસા-માસી, મારો ઓરડો, આવતીકાલે મારે લઇ જવાની સૂટકેસ, મારા કપડાં બધું જ ગાયબ છે. મને ચારે તરફ અંધારું જ દેખાય છે. ઓ મમ્મી રે…..!’
આખા ઘરમાં કરુણરસ પ્રસરી ગયો. આ તો કેવો વિધાતાનો કોપ?! ખુલ્લી આંખે સપનાં જોવાની ઘડી આવી ત્યારે જ એક નિર્દોષ યુવતીની દૃષ્ટિ છીનવાઇ ગઇ?!

વેણુનાં પિતા જયેન્દ્રભાઇએ નિર્ણય લીધો, ‘વેણુ તો પીઠી ચડેલી કન્યા છે, માટે એને તો ઘરની બહાર કઢાય નહીં; પણ હું બાજુનાં શહેરમાં જઇને કોઇ આંખના ડોક્ટરને બોલાવી લાવું. ખબર તો પડે કે વેણુને શું તકલીફ થઇ છે!’
બધા જાણતા હતા કે આમ કરવું શક્ય નથી. આંખના ડોક્ટર બહુ બહુ તો ઘરે વિઝિટ માટે આવે, પણ એમના ભારે ભરખમ મશીનોનું શું? એ વગર તો આંખની પૂરી તપાસ કેવી રીતે થાય? માટે સાચી વાતનું નિદાન તો લગ્ન થઇ જાય એ પછી થોડા દિવસ બાદ જ થઇ શકે.

લાખ રૂપિયાનો સવાલ હવે આ હતો: ‘ આવી અંધ વેણુનાં લગ્ન થઇ શકશે ખરા? વરપક્ષ આંધળી વહુનો સ્વીકાર કરશે કે કેમ?’
આનાથી પણ મોટો કરોડ રૂપિયાનો પ્રશ્ન આ હતો: ‘ લગ્ન આડે પૂરા ચોવીસ કલાક પણ નથી બચ્યા, ત્યારે આવી ગંભીર ચર્ચા કરવા માટે વેવાઇના ઘરે જાય કોણ?’
‘હું જઇશ.’ અચાનક આ અવાજ આવ્યો. બધાં ચોંકી ઊઠ્યા. કારણ કે અવાજ વેણુનો હતો. એ બોલી રહી હતી, ‘પપ્પા, હું કોઇને અંધારામાં રાખવા નથી માગતી. હું જાણું છું કે તમે પોચા સ્વભાવના છો. ત્યાં વાત કરતાં કરતાં જ ભાંગી પડશો. માટે જ મને જવા દો.’

‘ પણ તું જઇશ શી રીતે, બેટા? તને તો દેખાતું નથી.’

‘મારી સાથે પલ્લુ આવશે. એ મને હાથ પકડીને દોરી જશે. હું આમ ગઇ ને આમ આવી.’ વેણુએ ચપટી વગાડી અને જવા માટે ઊભી થઇ ગઇ. એનાં કાકાની દીકરી પલ્લવી પણ એની સાથે જવા માટે તૈયાર થઇ ગઇ. સવારનો સૂરજ એનો આકરો તાપ વરસાવી રહ્યો હતો. ગામના લોકો એક અચરજભર્યું દૃશ્ય નિહાળીને ઊભા રહી જતા હતા. આ શું કહેવાય! આ પીઠી ચોળેલી કન્યા અત્યારે ક્યાં ‘ફરવા’ નીકળી પડી હશે?! એ પણ આ રીતે પિતરાઇ બહેનનો હાથ ઝાલીને આમ ઠેબાં ખાતી ખાતી…..?! પલ્લુ એને લઇને વેવાઇનાં ઘરે પહોંચી ગઇ. લગ્નવાળુ ઘર હતું.

મહેમાનથી ઊભરાતા ડ્રોઇંગરૂમમાં કન્યાએ પ્રવેશ કર્યો. સ્ત્રીવર્ગ ઉપલા માળે હતો. માત્ર પુરુષવર્ગ નાચે હાજર હતો. એમાં વિકાસ પણ ખરો. આવતીકાલની જીવનસંગિનીને આજે આવેલી જોઇને એ ખળભળી ગયો. કંઇ પૂછવા જાય તે પહેલાં જ વેણુએ ધીમા અવાજમાં એને કહી દીધું, ‘આજે સવારથી મારી આંખોની રોશની આથમી ગઇ છે. ત્રણેક કલાક થઇ ગયા. મને દેખાતું નથી. હું તને ચેતવવા આવી છું. ભલે તારા-મારા દેહ પર પીઠી ચડી ગઇ છે, પણ બદલાયેલા સંજોગોમાં તું મારી સાથે લગ્ન કરવાની ના પાડી શકે છે.’

વિકાસ એક કાચી સેકન્ડનો પણ વિચાર કર્યા વગર બોલી ઊઠ્યો, ‘ તું અંધની સાથે સાથે પાગલ પણ થઇ ગઇ કે શું? ના પાડવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. મારા પપ્પાને તો વાંધો નહીં જ હોય, પણ એકવાર મમ્મીને પૂછી આવું. એ કદાચ ના પાડે એવું બને….’

વેણુંને ત્યાં જ મૂકીને વિકાસ ઉપર ગયો. મમ્મીને જાણ કરી. મધુબહેન મારતે ઘોડે નીચે આવ્યાં. બધાંની છાતી ‘ધક-ધક’ થઇ રહી હતી. આ કડવી બાઇનો કોઇ ભરોસો ન કરાય! જોઇએ તે શું કહે છે? મધુબહેને આવીને વેણુને છાતીએ વળગાડી દીધી, ‘ ગાંડી, આવું પૂછવા તે અવાતું હશે? ધાર કે લગ્ન થઇ ગયા પછીના ચોવીસ કલાક પછી તને અંધાપો આવ્યો હોત તો અમે શું કરત? આ ચોવીસ કલાક પહેલા આવ્યો.’

‘પણ મમ્મી…..! તમને આંધળી વહુ ગમશે?’ વેણુનો સાદ તરડાઇ ગયો.
‘હું તને મારી વહુ માનીશ તો નહીં જ ગમે, પણ જો હું તને મારી દીકરી માની લઇશ તો જરૂર ફાવશે.’ મધુબહેનનાં મધમીઠાં વેણ સાંભળીને એકલી વેણુ જ નહીં, પણ ઘરમાં ઉપસ્થિત તમામ સગાંઓ રડી પડ્યાં.

નિર્ધારિત દિવસે નિર્ધારિત મુહૂર્તે વર-કન્યા પરણી ઊતર્યા. ફેરા ફરતી વખતે વિકાસે પ્રજ્ઞાચક્ષુ પત્નીનો હાથ પકડીને એને દોરવણી આપી. ગૃહપ્રવેશ પછી શયનખંડમાં પણ એ વેણુને જાતે સાચવીને દોરી ગયો. પછીના પૂરા દસ-દસ દિવસ સુધી અડોશી-પડોશીઓએ આ દૃશ્યો મનભરીને માણ્યાં. ઘરના દરેક કામમાં વિકાસ વેણુની સેવા કરતો હતો.
એક દિવસ વેણુએ કહ્યું, ‘ગઇ કાલે આપણે પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરવા ગયા હતા, ત્યારે મેં પ્રભુ પાસે માગ્યું હતું કે આવા સારા પતિની સેવા લેવા કરતાં તમે મને દૃષ્ટિ પાછી આપો તો હું પતિની સેવા કરી શકું.’

‘આવું શા માટે વિચારે છે? તારી સેવા કરવાની મારી ફરજ છે. પણ એક વાત કહી રાખું છું. જો તારી આંખો પાછી આવે તો તું મારા મા-બાપની સેવા કરવાનું ના ભૂલતી. સાચો ઉપકાર એમનો કે મને આવા સંસ્કાર આપ્યા.’
ખરેખર દસ-બાર દિવસ બાદ વેણુ ફરી પાછી દેખતી થઇ ગઇ. મેં એનાં રિપોર્ટ્સ જોયા નથી. વેણુએ લગ્ન પછી ત્રણેક હોશિયાર ડોક્ટરોને બતાવી જોયું હતું. બધાંએ કહ્યું હતું: ‘આ કાયમી ‘વિઝન લોસ’ છે. વેણુ જિંદગીમાં ફરીથી ક્યારેય…..’

પણ તબીબી વિજ્ઞાન શક્યતાઓનું શાસ્ત્ર છે, જ્યારે શ્રદ્ધાનો સીધો સંબંધ પરિણામ સાથે હોય છે. અને પરિણામ એ છે કે વેણુ એના વિકાસની સાથે ઊઘાડી આંખનાં સપનાં જેવો સંસાર માણી રહી છે. પતિ-પત્ની બંને હાલમાં ચેન્નઇ શહેરમાં મોજથી જીવી રહ્યા છે.

(સત્ય ઘટના. કથાબીજ: જિનશાસન પ્રભાવક પ.પૂ. આચાર્યશ્રી વિજયરત્નસુંદરજી મહારાજ સાહેબ અને તેમના પ્રશિષ્યો બંધુ બેલડીશ્રી

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s