વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ ઓગસ્ટ 1, 2015

Filed under: જીવનમાં ઉતારવા જેવું — mysarjan @ 12:22 પી એમ(pm)

1- -2 -4 -3નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ

હેડિંગ વાંચીને ઘણાં નિવૃત્ત એટલે કે રિટાયર્ડ વાંચકોને કદાચ એવો વિચાર આવ્યો હશે કે આખી જિંદગી વૈતરા કરી કરીને તો માંડ આરામ કરવાનો મોકો મળ્યો હોય અને શું જોઇને તમારા જેવા લોકો એમાંય પ્રવૃત રહેવાની શિખામણ આપતા હશે? મુરબ્બી, તમારી વાત સો ટકા સાચી હોવા છતાં તમે જ્યારે આ લેખ વાંચશો ત્યારે તમને સમજાશે કે નિવૃત્તિકાળમાં તમે જેટલાં વધું વ્યસ્ત રહેશો એટલી માનસિક શાંતિ વધારે મેળવી શકશો અને પત્નીથી માંડીને પૌત્ર સુધીના ઘરનાં સભ્યો સાથે મતભેદ ઓછા થઇ જશે.

હું એટલો મહાન કે અનુભવી તો નથી કે તમને સલાહ આપી શકું પરંતું આ લેખમાં હું તમને નિવૃત્ત થયા બાદ વ્યસ્ત રહેવાના સરળ ઊપાયો સૂચવી શકું એમ છું.

પેલું ગીત તો તમે સાંભળ્યું જ હશે ‘જીવન ચલને કા નામ, ચલતે રહો શુભ હો યા શામ’. ઇશ્ર્વરે બનાવેલ દરેક વસ્તુ ક્રમાનુસાર સતત ચાલ્યે જ રાખે છે, પછી એ સૂર્ય હોય, ચન્દ્ર હોય કે પછી આપણું હૃદય. જો એ લોકો એક ક્ષણ માટે પણ અટકી જાય તો તમે સમજી શકો છો કે શું થાય. તો ભગવાન આપણને એમ જ સમજાવવા માગે છે કે આપણે સતત ચાલતા રહેવાનું છે. અટકવાનો કોઇ અવકાશ જ નથી.

આખી જીંદગી સમયના કાંટે કામ કરનાર વ્યક્તિને આમેય નિવૃત્તિના બે દિવસમાં જ આરામનો કંટાળો આવવા લાગે છે અને પછી શરૂ થાય છે કારખાનું ખાલી દિમાગનું. આ કારખાનું આપણું જીવન નર્ક સમાન બનાવવામાં ઝાઝો સમય નથી લેતું માટે જ આ કારખાનાથી દૂર રહેવા તમારે કોઇ ને કોઇ પ્રવૃત્તિ શોધી કાઢવી પડશે.

નીચે આપેલા સૂચનો જે ક્રમમાં આપ્યા છે એ ક્રમમાં જ કરવા જરૂરી નથી. તમે તમારી પસંદગી મુજબ અને તમારી પાસે ઉપલબ્ધ સાધનો પ્રમાણે એ સૂચનો પર અમલ કરજો. સમજો કે તમારી આસપાસ પુસ્તકાલય નથી તો વાંધો નહીં તમે ઘરે એકાદ ચોપાનીયું બંધાવી લો અથવા તો આસપાસના પાડોશીઓ પાસેથી લાવીને વાંચો તોય ચાલે અથવા તો સમજો કે પ્રવાસનું સૂચન ચોથા નંબરે છે પણ તમે એને પ્રથમ સ્થાન પણ આપી શકો છો.

લિસ્ટ બનાવો

દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક કંઇક કરવાનું મન થતું હોય છે. ઘણીવાર આપણે એવી વાતો વિચારીને પછી ભૂલી જતાં હોઇએ છીએ. આવી વાતોનું એક લિસ્ટ બનાવો. આ માટે એક ખાસ ડાયરી સાથે રાખો. જો તમે નિવૃત્ત ન થયા હો તો ડાયરીમાં નોંધ કરવાનું કામ અત્યારથી જ શરૂ કરી દો.

તમારા શોખ પૂરા કરો

હાં, નિવૃત્ત થઇ ગયા એટલે કંઇ તમારો આ સંસારમાં રોલ પૂરો નથી થઇ ગયો. તમારા શોખ પૂરા કરો. એવા શોખ કંઇપણ હોઇ શકે. એ ફિલ્મો જોવાના, પ્રવાસે જવાના, ચિત્રો દોરવાના, ગીતો ગાવાના, સંગીત શીખવાના કે પછી ડાન્સ શીખવાના પણ હોઇ શકે. હવે કમ્પ્યુટરનો જમાનો આવ્યો છે, તો એ શીખી લો.

એક વાત યાદ રાખજો નિવૃત્તિ બાદની તમારી પ્રવૃત્તિને ઊંમર સાથે કોઇ લેવાદેવા નથી. તમે હવે વૃદ્ધ થયા એટલે જીન્સ ન પહેરી શકો એમ કહેતી તમારી વહુ કે દીકરાની વાત માનવાને બદલે જો તમને જીન્સ પહેરવાનો શોખ હોય તો એ ચાલું રાખો. નિવૃત્ત જીવન જીવવું એટલે સન્યાસી બનવું નહીં એ વાતની સ્પષ્ટતા તમારા કુટુંબને થવા દો.

વાચન વધારો

જે લોકોને વાંચનનો શોખ છે એમને તો આ વાત કહેવાની જરૂર જ નહીં પડે. હું જાણું છું કે તેઓ નિવૃત્તિમાં એમની પાસે ફૂરસદની પળો વધારે હોવાથી સૌ પ્રથમ પ્રવૃત્તિ તો વાંચન વધારવાની જ કરવાના પણ જે લોકોને વાંચવાનો શોખ ન હોય અથવા એક જમાનામાં કામની વ્યસ્તતાને કારણે અખબાર પણ હેડલાઇન વાંચીને મૂકી દેતા હતાં, એવા લોકોએ કોઇ સારી લાયબ્રેરીના મેમ્બર બનીને વિવિધ વિષયોના પુસ્તકો વાંચવાની શરૂઆત કરવી જોઇએ.

પ્રવાસ કરો

જો તમારું સ્વાસ્થ્ય સારું હોય (મોટેભાગે નિવૃત્તિની શરૂઆતમાં તો સ્વાસ્થ્ય સારું જ હોય છે) તો તમારે પ્રવાસનો આનંદ માણવો જોઇએ. આ માટે જરૂરી નથી કે તમે ધર્મસ્થાનોની યાત્રાએ જ જાઓ. હાં, તમારા પત્નીને ચાર ધામની યાત્રા કે શ્રીનાથજીએ જવાની ઇચ્છા થાય તો એવી યાત્રાઓ સાથે આસપાસના જોવાલાયક સ્થળોની માહિતી ભેગી કરીને યાત્રાની સાથે સાથે તમારે આસપાસના સ્થળોની સહેલ પણ કરી લેવી. એ રીતે તમારા બંનેની ઇચ્છા પૂરી થઇ જશે.

બાગબાની કરો

તમને જો ફૂલોનો શોખ હોય તો તમે ઘરબેઠાં બાગબાની કરી શકો છો. તમે ટેરેસ ગાર્ડનમાં ફૂલોની સાથે ફળો અને શાકભાજી પણ ઉગાડી શકો છો. જયારે ટેરેસ ગાર્ડનમાં ઉગાડેલાં શાકના છોડ પર પહેલાં ફૂલ પછી ફળ એટલે કે શાકભાજી ઉગે ત્યારે જે આનંદ થાય એ અવર્ણનીય છે. તમે ટેરેસ ગાર્ડનમાં મરચાં, ટમેટાં, મગ, મઠ, વટાણા જેવાં શાકભાજી ઉગાડી શકો.

ભગવાનનું નામ લ્યો

દિવસનો થોડો સમય મોટેભાગે સવારનો સમય ભગવાનનું ધ્યાન, જાપ, પૂજા-અર્ચનામાં વિતાવો. જો તમે ક્યારેય ધ્યાન નહીં ધર્યું હોય તો શરૂઆતમાં થોડીક મુશ્કેલી પડશે પરંતુ વખત જતાં મનને ઘણી શાંતિ મળશે અને તમારા ધ્યાનમાં બેસવાનો સમય પણ વધશે.

સવારે કે સાંજે વોક માટે નીકળી પડો

સવારે કે સાંજે વોક માટે નીકળી પડો. જો તમારા ઘરમાં પાળેલો કૂતરો હોય તો એને લઇને અથવા તો નાના બાળકો હોય તો એમને લઇને નજીકના ગાર્ડનમાં વોકિંગ માટે જાઓ. આમ કરવાથી તમારું મન પણ પ્રફૂલ્લિત થઇ જશે અને સ્વાસ્થ્ય પણ સુધરશે.

હળવી કસરત શરૂ કરો

અગાઉ તમે કામ પર જતી વખતે ચાલવાની, કૂદવાની અને દોડવાની કસરતો બસ કે ટ્રેન પકડવા માટે અજાણતા કરતા હતા અને માટે તમને એ વખતે કસરતની વધારે જરૂર નહોતી પડતી અને ખરું પૂછો તો એ માટે તમારી પાસે સમય પણ નહોતો. હવે જ્યારે તમને એ બધી ઉપાધીઓમાંથી છુટકારો મળ્યો છે તો સવારે અથવા સાંજે હળવી કસરતો કે યોગાસનો કરવાનો નિયમ રાખો. આ કાર્ય તમે નજીકના ગાર્ડન કે પાર્કમાં જઇને પણ કરી શકો છો.

સમવયસ્કોનું ગ્રુપ જોઇન કરો

તમારી આસપાસના વિસ્તારમાં તમારા સમવયસ્કોનું ગ્રુપ હોય તો એ જોઇન કરો અને જો ન હોય તો નવું ગ્રુપ બનાવો. આ ગ્રુપમાં જોડાનાર વ્યક્તિઓને અગાઉથી જ ચેતવી દો કે ગ્રુપમાં બેસીને એમણે પોતાના દીકરા-વહુની ફરિયાદો ન કરવી, એને બદલે ભજન-કિર્તન, પ્રવાસનું આયોજન, અનાથાશ્રમના બાળકોને મદદ કરવી કે ભણાવવા અથવા વૃદ્ધાશ્રમની મુલાકાત લઇને ત્યાંના લોકો સાથે સમય વિતાવવા જેવી પ્રવૃત્તિઓ કરવાનો આગ્રહ રાખવો. આ માટે તમે નજીકના ગાર્ડન કે મંદિરમાં નિયમીત રીતે એકબીજાને મળવાનું નક્કી કરી શકો છો. આ તો હતા થોડાક સૂચનો મારા તરફથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો, સ્વાસ્થ્ય, આર્થિક સ્થિતિ અને ઘરની પરિસ્થિતી જુદીજુદી હોય છે. તમારે તમારી આસપાસની પરિસ્થિતિ પ્રમાણે તમને જે કામમાં, જે વાતમાં ખુશી મળતી હોય, આનંદ મળતો હોય એવી પ્રવૃત્તિ કરવી જોઇએ. માણસ જ્યારે નવરું હોય ત્યારે એને ઘણી એવી વાતો દેખાતી હોય જે સામાન્ય રીતે પ્રવૃત્ત લોકોના ધ્યાનમાં ન આવતી હોય. તમારી સોસાયટીમાં દેખાતી એવી વાતોને નજરઅંદાજ કરવી અને એની ચર્ચા તમારા દીકરા કે વહુ સાથે ન કરવી. બીજી એક મહત્ત્વની વાત એ કે તમારે જેમ બને એમ ઘરની વ્યક્તિઓને ઓછી ટોકવી.

ગાડીનું સુકાન જેનાં હાથમાં હોય એને જ એ ચલાવવા દો. હાં, એ વ્યક્તિ અકસ્માત કરવા જતી હોય તો જરૂર એને સલાહ આપવી. નાની નાની વાતો જતી કરવી. એમને એમના અનુભવને આધારે શીખવાનો મોકો આપવો. આમ કરવાથી તમે અળખામણા નહીં બનો. તો હવે નિવૃત્તિના દિવસો એન્જોય કરો. ચિંતા છોડો સુખે જીવો. અસ્તુ.

Advertisements
 

One Response to “નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ”


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s