વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

નવેમ્બર 16, 2011

Filed under: સમજવા જેવું — mysarjan @ 4:21 પી એમ(pm)

આઈ ડોન્ટ લાઈક ઈટ – કાજલ ઓઝા વૈદ્ય

August 30th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : કાજલ ઓઝા-વૈદ્ય |

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર. આપ કાજલબેનનો આ સરનામે સંપર્ક કરી શકો છો : kaajalozavaidya@gmail.com ]

શનિવારે હનુમાન મંદિરમાં નજર કરીએ કે ગુરુવારે સાંઈબાબાના મંદિરમાં જઈને ઊભા રહીએ તો ખૂબ નવાઈ લાગે એવું દ્રશ્ય જોવા મળે. જીન્સ અને ટી-શર્ટ પહેરેલા, કેપ્રીઝ અને શોર્ટ્સ પહેરેલા 14 થી 20-22-25ની ઉંમરના કેટલાય યુવાનો અને યુવતીઓ મંદિરમાં જોવા મળે.

સામે પક્ષે કોઈને ઘેર જઈએ અને માતા-પિતા આ જ ઉંમરના યુવાન દીકરાને ઓળખાણ કરાવે તો પગે લાગવાને બદલે આ ઉંમરનાં બાળકો ‘હાય’ કે ‘હેલો’ કહીને હાથ મિલાવવાનું પસંદ કરે છે. કદાચ માતા-પિતા આગ્રહ રાખે તો એ વડીલને પગે લાગે છે ખરા, પરંતુ કમને ! લગ્નમાં કે સામાજિક પ્રસંગે જ્યારે આ સત્તરથી પચીસના યુવાનોને લઈ જવાનો આગ્રહ કરવામાં આવે ત્યારે એમનો પહેલો સવાલ હોય છે, ‘મને ત્યાં શું મજા આવશે ?’ અથવા ‘મારું ત્યાં શું કામ છે ?’ કદાચ એમને પરાણે સાથે લઈ જવામાં આવે તો ત્યાં જઈને સતત પોતાના મોબાઈલ ઉપર રમ્યા કરવા સિવાય એ ભાગ્યે જ કોઈ વાતમાં રસ લે છે. ઘરે મહેમાનો આવે ત્યારે સાથે બેસવા કે વાતો કરવાને બદલે આ પેઢી પોતાના રૂમમાં બેસવાનું કે ટીવી જોવાનું પસંદ કરે છે. આ પેઢી વાંચતી નથી. આ પેઢી ફેસબુક અને ટ્વીટર પર સમય બગાડે છે. મોબાઈલના ચેટીંગમાં પૈસા ઉડાડે છે. આ પેઢીને વડીલો માટે માન નથી, આ પેઢીને સમજ નથી. આ પેઢીમાં કોઈ સિરિયસનેસ નથી…. આવી અનેક ફરિયાદો આજના 14થી 20 વર્ષના યુવાનોનાં માતા-પિતાના મોઢે આપણને અવાર નવાર સાંભળવા મળે છે.

આ નવી પેઢી માતા-પિતા સાથે ફિલ્મ જોવા જવાનું કે રેસ્ટોરામાં જવાનું પણ ટાળે છે. એમને પોતાના ફ્રેન્ડ્સની કંપની વધારે ગમે છે. મેક્સિકન, ઈટાલિયન, કોન્ટિનેન્ટલ કે થાઈ ફૂડ ખાતા ગુજરાતીઓ હવે રવિવારની સાંજે ઘેર ખાવાનું ટાળે છે. ઘણાં ઘરોમાં પત્ની નોકરી કરતી થઈ છે. બે આવકો ઘરને સધ્ધર અને જીવનધોરણને અધ્ધર કરે છે. વોશીંગ મશીન, માઈક્રોવેવ વસાવવામાં આવે છે. પત્ની જિમમાં જાય અને પોતાનું ફિગર સાચવે એ પતિને ગમે છે. ક્યારેક ડ્રિન્ક લેતી પત્ની, અંગ્રેજી બોલતી પત્ની અને ‘ઈન્ડિપેન્ડન્ટ’ પત્ની ગુજરાતી પતિની ઝંખના છે ખરી, પરંતુ એ જ પત્ની બેસણામાં સાડી પહેરીને, માથે ઓઢીને બેસે એવી મોટેરાંઓની અપેક્ષા હોય છે. દીવાળીમાં ઘર તો ધોળાવું જ પડે. મઠિયા, ચોરાફળી અને નાસ્તા બનાવવા જ પડે. શનિવારે સાંજે પાર્ટી કરતા ગુજરાતીઓ માટે ગુજરાતની દારૂબંધી જાણે અસ્તિત્વ જ ન ધરાવતી હોય એમ એ લોકો જીવે છે. છતાં શ્રાધ્ધ, બારમું, તેરમું કે સગાઈ-લગ્નના પ્રસંગોએ એમનું ગુજરાતીપણું ભારોભાર છલકાય છે. કોણે કોને કેટલો વ્યવહાર કર્યો, કોણે પ્રસંગ કરવામાં કંજૂસી કરી અને કોને ઘરે પ્રસંગમાં ડિનર કેટલું ખરાબ હતું એની ચર્ચા જ આવી શનિવારની પાર્ટીઓમાં મુખ્ય એજન્ડા બની રહે છે.

સંતાનો નવી દુનિયામાં જન્મ્યાં છે. ગેઝેટ્સ એમને માટે ડાબા હાથનો ખેલ છે. ત્રણ વર્ષની બેબી આઈપેડ રમે છે અને પાંચ વર્ષનો બાબો એન્ડ્રોઈડનો ફોન કેવી રીતે વાપરવો એ દાદાજીને શીખવે છે. ‘આઈ ડોન્ટ લાઈક ઈટ’ કહીને ભાખરી-શાકના ટેબલ પરથી ઊભા થઈ જતા આ પેન્ટી દેખાય એવી રીતે પેન્ટ પહેરતા જુવાનિયાઓ ‘ના’ કહી દેતા સહેજેય અચકાતા નથી. એમને માટે પૈસાની કોઈ કિંમત નથી. લાગણીઓનું મૂલ્ય એ એમની રીતે, એમની વ્યાખ્યામાં કરે છે. ‘ડેટિંગ’ અને ‘કમિટમેન્ટ’ના અર્થો એમને માટે જુદા છે. નેવુંના દાયકાની આસપાસ અને પછી જન્મેલી આ આખીયે મિલેનિયમ પેઢી જિંદગીને સાવ જુદા આયામથી જુએ છે.

ચાળીસથી પચાસનાં થઈ રહેલાં એમનાં માતા-પિતા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી જોવા પડોશીને ઘેર જતાં હતાં એ વાત એમને ભુલાતી નથી. બ્લુ સ્ક્રીન લગાડીને જોવાતા બ્લેક એન્ડ વ્હાઈટ ટેલિવિઝનની રવિવારની ફિલ્મોથી શરૂ કરીને મલ્ટિપ્લેક્સીસ અને ફૂલ એચડી, એલઈડી ટેલિવિઝન્સ સુધીનો પ્રવાસ એમણે એકશ્વાસે પૂરો કર્યો છે ! એમની પહેલાની પેઢીને ટેકનોલોજી સાથે ભાગ્યે જ નિસબત રહી. આજે સિત્તેરની આસપાસ પહોંચેલાં મા-બાપ સતત માને છે કે એમનાં સંતાનો જે જીવે છે તે ખોટું છે. જે રીતે પૈસા વાપરે છે એ બેફામ છે. જે ખાય છે, પીએ છે એ બધું જ નુકશાનકારક છે. એ જે રીતે એમનાં સંતાનોને ઉછેરે છે એ તદ્દન ખોટું છે. તો આવાં ચાળીસી વટાવી ચૂકેલા ‘અણસમજુ’ ગણાતા સંતાનોનાં સંતાન માને છે કે એમનાં મા-બાપને કાંઈ સમજ પડતી નથી. એ લોકો સતત અર્થહીન અને ઈમોશનલ વાતો કર્યા કરે છે. એ લોકો જે રીતે લાઈફનું પ્લાનિંગ કરે છે એ નકામું છે. એ લોકો જે રીતે પૈસા બચાવે છે એ બેવકૂફી છે.

વધતા જતા મેડિકલના ખર્ચા અને ‘ઓન્લી ફોર્ટીન થાઉઝન્ડ’ના ફોનની વચ્ચે એમના પોતાના માટે ભાગ્યે જ કશું બચે છે. જિમ અને બ્યુટી પાર્લરમાં રેગ્યુલર જઈને પોતાની જાતને સાચવતી, પ્રમાણમાં નાની દેખાતી મમ્મીને દીકરી કહે છે, ‘લુક યોર એજ મોમ !’ તો સાસુ એને સંભળાવે છે કે ‘જેટલું ધ્યાન બ્યુટી પાર્લરમાં રહે છે એટલું રસોડામાં રહે તો સારું.’ આ બંનેની વચ્ચે સવારે ચાર વાગ્યે પાર્ટી કે ગરબામાંથી પાછી ફરતી દીકરીની ચિંતામાં મમ્મી આખી રાત જાગે છે અને પપ્પા એને ધમકાવી નાખતા એને અચકાતા નથી. ‘હું તો કમાઉં કે પછી ઘરનું ધ્યાન રાખું ?’ એ પૂછે છે…. પત્ની પાસે આનો જવાબ નથી ! એક તરફથી વડીલો, મોટેરાઓ અને સીનિયર સિટીઝન્સની ટીમ છે, જે માને છે કે જે કંઈ જૂનું છે તે જ સાચું છે. પરંપરાઓ અને જૂની માન્યતાઓને વળગીને એ પોતાની જિંદગી જીવવા માગે છે. નાનકડી પણ ફેરબદલ એમને સ્વીકાર્ય નથી એવું એ દ્રઢપણે કહી શકે છે. બીજી તરફ હાઈટેક-વેલઈન્ફોર્મ્ડ, કલેરિટી ધરાવતી, લાગણી અને કારકિર્દીને બરાબર માપીને નિર્ણય લઈ શકતી નવી પેઢી છે. આ બંનેની વચ્ચે ફંગોળાતી એક એવી પેઢી છે, જેને માતા-પિતા વખાણતાં નથી અને સંતાનો સુધારવાનો આગ્રહ રાખે છે !

અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટની જગ્યાએ ઘાસલેટના દીવા હતા અને મુંબઈમાં ટ્રામ હતી એ વાત જાણનારા અને જોનારા મા-બાપ હજી જીવે છે, તો મુંબઈમાં મેટ્રો થવાની છે એ વાતે ખભા ઉછાળીને પોતાનો આનંદ પ્રગટ કરતી નવી પેઢી છે. આવનારી પેઢી માટે મોહનદાસ કરમચંદ ગાંધી એક ‘ઈન્ટરેસ્ટિંગ પર્સનાલિટી’ છે, જ્યારે એના બા-દાદા માટે એ ‘મહાત્મા’ છે…. પિત્ઝા, પાસ્તા, ફ્રેન્કી એમના માટે ફેવરિટ ફૂડ છે તો બા-દાદા માટે મેંદાના ડૂચા…. એકને ટેલિવિઝન પર આસ્થા, સંસ્કાર અને મોરારિબાપુની કથા જોવી છે, તો બીજાને ઝૂમ, ટ્રાવેલ એન્ડ લીવિંગ, ફૂડ કે પછી ‘બિન્દાસ’ ચેનલ જોવી છે. આ બંનેની વચ્ચે કરગરીને રિમોટ માંગવો પડે એને બદલે ઓરડામાં ટીવી વસાવવાનું ચાળીસીએ પહોંચેલી પેઢીને સહેલું અને સસ્તું પડે છે. ટાર્ગેટ એચિવ કરવાના…. પ્રમોશન માટેની સ્ટ્રગલ, ધંધો મેળવવા માટે નાના-મોટા કરપ્શન કરતી આ પેઢી ભયાનક સ્ટ્રેસમાંથી પસાર થાય છે. આ પેઢીને હાર્ટઅટેક આવે છે પચાસથી પંચાવનની વચ્ચે. બી.પી, ડાયાબિટીસ, સાઈકોસોમેટિક બીમારીઓ એમને ઘેરી વળે છે. પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થાય છે. લગ્નેત્તર સંબંધો આ પેઢીની સ્ટ્રેસ ઘટાડવાના બદલે સ્ટ્રેસ વધારે છે. સ્વાતંત્ર્યતા લાવનાર પેઢી…. અને સ્વાતંત્રતા ભોગવનાર પેઢીની વચ્ચે જીવતી આ ‘વિવિધ ભારતી-દૂરદર્શન’ની પેઢી પોતાની સ્વતંત્રતા માટે ક્યારેક બે-ચાર દિવસ ‘બ્રેક’ લે છે ! પાછા ત્યાં જ ફરવાનું છે એની એમને ખબર છે. એમને બંને પેઢી માટે અનહદ લાગણી છે. એ બંને પેઢીને સુખી જોવા માગે છે, પરંતુ આ બે પેઢીઓ કદાચ એકબીજાના સાથે સુખી થઈ શકે એમ નથી એવું સત્ય સ્વીકારવાનો સમય કદાચ આવી ગયો લાગે છે.

રજનીશે પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું છે કે, ‘મેં આખી જિંદગી મારા પિતાને ખોટા ઠેરવવાનો પ્રયાસ કર્યો. મને જ્યારે સમજાયું કે એ સાચા હતા ત્યારે મારો દીકરો મને ખોટો ઠેરવવા તૈયાર થઈ ગયો હતો.’

Email This Article

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s